પૃષ્ઠ:Vevishal.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાટુ જીવ કાં બાળી રહી છો. ને અમારે તો સાત દીકરા ગણીયે તોય તું છો, દેખી દેખીને તને કૂવે કેમ નાખીએ? સમતા રાખ, બાઇ! નિરાંતની નીંદર કર."

એટલું કહીને ભાભુએ દેહ ગાદલામાં લંબાવ્યો. બાજુમાં જ સુશીલાની પથારી હતી. સુશીલા સૂવા માંડી ત્યારે ભાભુએ યાદ કરાવ્યું: "માળા ફેરવી?"

"ભૂલી ગઇ."

"ભૂલી ગઇ એનું કાંઇ નહીં. દેખીપેખીને ન ફેરવીએ તો જ દુઃખ. હવે ફેરવી લે. અમથા પારા પડતા મૂકીએ ને, બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાવનું નામ લઇએ તો વળી નવું કાંઇ કષ્ટ વધે નહીં, ને ઊંઘ ચોખ્ખી આવે. માઠાં સપનામાં શેકાવું તે કરતાં માળા ફેરવીને સૂવું શું ભૂંડું, મારી બાઇ?"

પતિનો શયનખંડ છોડીને સુશીલા સાથે સૂવાનું શરૂ કર્યા ભાભુને આજે પાંચેક વર્ષ થઇ ગયાં હતાં. તે પૂર્વે પણ સુશીલા બે વર્ષની થઇ ત્યારથી જ ભાભુની પાસે રહેવા ટેવાયેલી. ત્રણથી લઇને સુશીલા દસેક વર્ષની થઇ ત્યાં સુધી પતિપત્નીએ એક જ ઓરડામાં રાતવાસો ચાલુ રાખ્યો હતો.

તે પછી સુશીલાની પથારી ઓરડા સામેની પરસાળમાં રખાતી અને ભાભુના શયનખંડનાં બારણાં ખુલ્લાં રખાતા. એક રાત્રીએ આ ગોઠવણ અણગમતી બની ગઇ. પતિએ રાતમાં બંધ કરેલાં બારણાં અણખોલ્યાં જ રહી ગયાં ને પતિપત્નીને ઊંઘ આવી ગઇ. સવારમાં ભાભુએ જાગીને બારણાં ખોલ્યાં ત્યારે વહેલી ઊઠેલી સુશીલા દાતણ કરતી હતી.

બંધ બારણે સૂતેલાં વડીલ-દંપતિઓ, એક માતા-પિતાનું ને બીજું ભાભુ-બાપુજીનું, અને તેની વચ્ચે એકાકી ઊભેલી બાર વર્ષની દીકરી! ભાભુએ આ દીઠું ત્યારથી આખો દિવસ એ ગમગીન રહ્યાં, ને સુશીલાથી શરમિંદા બનતાં બનતાં ઘરકામમાં મશગૂલ બન્યાં. બાર વર્ષની