પૃષ્ઠ:Vevishal.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીકરીને આખી રાત જે એકલતામાં મૂકી તે કેવી ભયાનક હશે! બંધ બારણાને અંદર શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહેલ વડીલોને માટે પણ એણે શી કલ્પનાઓ કરી હશે! બંધ બારણાં શા માટે, એ પ્રશ્ન એના મનમાં પુછાયો હશે ત્યારે કોણ જાણે કેવોય કાળમુખો જવાબ જડ્યો હશે દીકરીને! આવી આવી વિચાર મૂંઝવણમાં વ્યથિત અને વ્યાકુલ બનેલી પત્નીનું અપરાધપણું જ્યારે પતિએ સાંજે ઘેર આવીને જાણ્યું ત્યારે એનાથી એની નિત્યની પ્રકૃતિમાં હસવું મોટે ભાગે ન હોવા છતાંય, હસી જવાયું હતું.

આ પત્નીને, આવી પદમણીને, આવી શાંતિ-પ્રતિભાને, આવી ગરવી અને ગરીબડીને પોતે શેર માટીનું સંતાન નથી આપી શક્યો તેને માટે પોતાને જ અપરાધી ગણનારો સ્વામી પત્નીના આવા ક્ષુલ્લક મન-સંતાપની પણ વધુ મશ્કરી તો નહોતો જ કરી શક્યો. ને તે રાતે એ સૂવા ગયો ત્યારે એણે જોઇ લીધું કે પોતાના ઓરડામાંની બીજી પથારી ઊપડી જઇને વચલા ખાલી ખંડમાં ચાલી ગઇ છે, ત્યારે પણ તેને ઓછું નહોતું આવ્યું. એને ઘસઘસાટ નીંદર આવી ગઇ હતી. મોટા શેઠનો આ એક જ ગુણ બીજા અવગુણો સામે મૂકવા જેવો હતો.

સુશીલાને સંગાથે લઇ સૂનાર ભાભુએ તો આ શયનવ્યવસ્થા બદલવામાં કાંઇ અસાધારણ ગણ્યું નહોતું. એણે સુશીલાની બાને ખુદને પણ આ વાત નહોતી કરી. સવારે જ્યારે સુશીલાની બાએ પહોળી પલાંઠીથી ભીડીને લોટ ઊટકવાના કૂચડા જેવાં ધીંગા દાતણનો કૂચો ઘસતાં ઘસતાં, બગાસું ખાતાં ખાતાં ને આળસ મરડતાં મરડતાં સુશીલાને પૂછ્યું કે "એટલી મોડી રાતે ભાભુને કેમ તારી પાસે આવવું પડ્યું?' ત્યારે સુશીલા એ સમજ પાડી કે "ભાભુ તો મારી પાસે જ સૂતાં હતાં."

"હેં ભાભીજી!" સુશીલાની બાએ ભાભુને એકાંતમાં લઇ જઇ કહ્યું, "આપણે ઓસરીએ તાળું મારીએ છીએ, પછી વળી શી બીક છે, કે તમારે છોકરીની પાસે સૂવું પડે?"

"બીકનું હું ક્યાં કહું છું?"