પૃષ્ઠ:Vevishal.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમસ્ત સમૂહનો જેને પોતાના સર્જનમાં આટલા આત્મીય ભાવનો સાથ મળી શકે છે તે લેખક બડભાગી છે.

‘વેવિશાળ’માં મારે જે કહેવું હતું તે હું કહી શક્યો છું કે કેમ? - મને ખબર નથી. જાણું છું ફક્ત આટલું જ કે કહેવાનું જે હોય તે વાર્તામાં જ લેખકે કહી લેવાનું છે, વાર્તામાં નથી કહી શકાયું માટે, ચાલો, પ્રસ્તાવનામાં પ્રસ્ફોટ કરીએ, એવો હક વાર્તાલેખકને નથી જ નથી. વાર્તાકારની પહેલી ફરજ – અને છેલ્લી પણ – એક જ છે: વાર્તા કહેવી, વાર્તા સારી કહેવી, ને વાર્તા જ કહેવી. મેં પણ અહીં વાર્તા - બસ, વાર્તા જ કહેવાનો દાવો રાખેલ છે.

એક સુશિક્ષિત વાચકે પૂછ્યું હતું કે, “તમે સુશલાને એના સસરા પર ભાવ પેદા થાય છે તેનાં કારણો તો બરાબર બતાવ્યાં છે; પણ સુશીલાને સુખલાલ પર વહાલ થવાનાં કારણો નથી આપ્યાં.”

આ સૂચન થયું ત્યારે હું વાર્તાના અંતભાગની ઠીક ઠીક નજીક આવી ગયેલો. મેં આ પ્રશ્ન તપાસી જોયો. સુશીલાને મેં પૂછી જોયું કે, ‘બાઈ, તારાં કારણો તો બતાવ ! તેં મને થાપ ખવરાવી છે?’ જવાબમાં સુશીલાએ મને કહ્યું કે, ‘સાચી વાત છે, મારા બ્રહ્માજી ! પણ હવે તો હું તમને એક પણ કારણ આપવા બંધાયેલી નથી. હું હૈયાફૂટી નથી, એટલું જ ફક્ત તમને કહું છું. બાકી સુખલાલ પર મને વહાલ ઉત્પન્ન થવાનાં કારણો માગનાર તમે કોણ? બસ, કશા કારણ વગર શું હું કોઈને ચાહી ન શકું? આથી વધુ કાંઈ ખુલાસો મારે તમને કરવાનો નથી. બધી વાતનાં કારણ ! બસ કારણો ! ને એ કારણો પાછાં અમારે તમને સૌને કહેવાનાં - કેમ?’

આવો કરુણ ફેજ લઈને હું સુશીલા પાસેથી પાછો ફર્યો છું. ગરમ મિજાજ કરવાનો હવે તો એને હક છે, કેમ કે મારા હાથમાંથી વછૂટી ગઈ છે.

બીજો એકરારઃ વિજયચંદ્રની પાછલાં પ્રકરણો માંહેની નવેસર

[6]