પૃષ્ઠ:Vevishal.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હાં, બદલી હોતી હૈ," શૉફરે વધુ ખબર દીધા, " વો થી દિનકી નર્સ : ડ્યૂટી ખતમ કરકે જા રહી થી, ઔર કહ રહી થી કિ, 'કલસે મેરી નાઈટ ડ્યૂટી હો જાયગી. તબ બાપા, બાપા, તુમકો કુછ તકલીફ નહીં પડેગી.' ઔર સુખલાલ બાબુકો બોલતી થી કિ, 'ઇસ્માટી ! ઇસ્માટી ! મૈં આજ સિનેમા દેખને જાતી હું. તો ગુડ નાઇટ કરનેકો ફિર નહીં આઉંગી.' બસ. પીછે, 'ફાધર ગુડ નાઇટ, બાપા સલામ, ઇસ્માટી સલામ !' કરતી કરતી મુજકો ભી ગુડ નાઇટ કહેતી ચલી ગઈ. ઔર મૈં ક્યા કહું ! મહેમાન બાપા તો બિચારા વો નર્સકી સામને પૂતલાકી તરહ મું ફાડ કર કહાં તક દેખ હી રહે થે ! સબ દરદી લોક, ઔર વહાં કે સબ દરવાન-ફરવાન હસહસકે બેજાર હો ગયે."

પછી શૉફરને એકાએક યાદ આવ્યું કે મહેમાને એક કાગળ સુશીલાબહેનને આપવા દીધેલો છે. એ કાગળ શૉફરે સુશીલા તરફ ધર્યો. સુશીલાએ લઈને ભાભુને આપ્યો. થોડું થોડું ભણેલાં ભાભુએ કાગળની ગડીઓ ઉખેળીને જોયું તો પોતાને ગમી જાય તેવા હસ્તાક્ષરો નીકળ્યા. એ અક્ષરોમાં અણઘડ ગામડિયો મરોડ હતો ખરો ને, એટલે ભાભુને સુપરિચિત થતાં વાર ન લાગી. એ એક ગ્રામ્ય છોકરીના અક્ષરો હતા. અક્ષરો જાણે આપોઆપ બોલી ઉઠ્યા કે, અમે તો માંડ માંડ જડી આવેલી એક દેશી પેનસિલના નાના બૂઠા ટુકડાના ફરજંદો છીએ. કાગળમાં લખ્યું હતું કે-

"ઈશવર સદા સુખી રાખે મારાં માયાળુ ભાભી સુશીલા. બા તમને બઉ સંભારે છે. અમે તમને બઉ સંભારી છીં. મળવાનું મન બઉ છે. બા કેવરાવે છે કે મરતાં પેલાં એક વાર મોં જોઉં તો અવગત નૈં થાય. પણ છેટાંની વાટ, મળાય ક્યાંથી. બાએ ન મળીએ તો આશિષ કેવારેલ છે. તમારે માટે ચોખ્ખા માવાના દૂધપેંડા મોકલેલ છે. તમારા ભાભુની ને માતુશરીની સેવા કરજો ને ડાયાં થૈ રેજો. ન મળાય તો અપરાધ માફ કરજો. ધરમ નીમ કરજો. બા ન મળે તો બાની પાછળ છ મૈનાની સમાક્યું [૧]નું પુન દેજો. વધુ શું લખવું. તમારા દેરનું અને


  1. સામયિક નામની જૈનોની ધર્મક્રિયા