પૃષ્ઠ:Vevishal.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નણંદનું કાંડુ તમને ભળાવું છું. તમારા સરસરાએ જેવી મારી ચાકરી કરી છે તેવીજ ચાકરી એ તમારે હાથે પામજો. ભાભી, બા એ આટલું લખાવેલ છે. બાને તાવ ભરાઈ ગયો છે. ભાભી, મારા માટે એક બે ચોપડિયું મોકલજો. તમારી જૂની હોય તે મોકલજો. હું બગાડીશ નૈ. તમે આવશો ત્યાં સુધી સાચવી રાખીશ. ભાભી, અમે તો તમને જોયાં જ નથી. કેવાં હશો. રોજ મને તમારું સપનું આવે છે. પણ સવારે પાછું મોઢું યાદ રેતું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસ પહેરો છો કે સાડી પહેરો છો તે ચોક્કસ લખજો હો. હું તો ચોરસો પેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા તેના ઉપર એક છાપ હતી. તેમાં એક રૂપાળી બાયડી હતી. હું એને સુશીલા ભાભી કહું છું, ને મારી પેટીમાં રાખું છું. લીખીતંગ તમારી નાની નણંદ સૂરજ"

ભાભુ પોતે અક્ષરો બેસાડતાં બેસાડતાં ધીરે અવાજે વાંચતાં ગયાં તે સુશીલા સાંભળતી ગઈ. કાગળ પૂરો કરીને ભાભુએ કહ્યું : "લે વાંચ જોઉં, કેવો રૂપાળો કાગળ લખાવ્યો છે બચાડા જીવે ! એને કાંઈ ઊંડી વાતની ખબર છે? અજાણ્યું ને આંધળું બેય બરોબર ! શી થાવી ને શી થાશે ? અરેરે, બાઈ ! લેણદેણની વાત મોટી છે. અંજળ લખ્યાં હશે ત્યાં જ જવાશે. હું તો મૂઈ જૂના વિચારની જ રહી ગઈ."

સુશીલા એ કાગળ ફરી ફરીને વાંચતી રહી. દરમ્યાન આજુબાજુમાંથી આવી ચડેલી સુશીલાની બાએ બધા વાત જાણીને ઝટ કહી નાંખ્યું : "ગામડાનાં ભોથાં ! હજી તો અટાણથી 'ભાભી ભાભી' કહેવાનું શરૂ કરી દીધું. ભાભી કહેવી એમ રેઢી પડી હશે !"