પૃષ્ઠ:Vevishal.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

11

ખાલી પડેલું બિછાનું

ભાભી કહેવી રેઢી નથી પડી!' એવો પોતાની બાનો છણકો સુશીલાને સારો ન લાગ્યો. નણંદનો કાગળ એણે ધીરે ધીરે હાથમાં લીધો, અને બે-પાંચ વાર ઉપાડ-મૂક-ઉપાડ કરીને પછી બા થોડે દૂર ગઇ કે તરત પોતે કાગળ ગજવામાં સેરવ્યો. પોતાનાં કપડાં લઇ નહાવાની ઓરડીમાં ગઇ, અને બે-ત્રણ વાર વાંચ્યા છતાં પોતે તૃપ્ત ન થઇ. 'ભાભી' સંબોધનમાં કઇ એવી તોછડાઇ હતી કે બા છેડાઇ ઊઠેલાં? આ કાગળની લખાવટ તો હૈયાના હેતે છલકાય છે: 'ભાભી' શબ્દે સંબોધવું એ તો ઊલટું માનભર્યું લાગ્યું.

ખરૂં તો એ હતું કે સુશીલાને કોઇ ભાભી હતી નહીં. એણે કદી કોઇને ભાભી કહેવાનો લહાવ લીધો નહોતો. તેમ ભાભી નામના પાત્રમાં કયું તિરસ્કૃત તત્ત્વ હોઇ શકે એની સુશીલાને જાણેય નહોતી. આ ગ્રામ્ય નાની કન્યાની 'ભાભી' થવામાં ગ્રામ્ય સુખલાલની સ્ત્રી પણ થવું પડે છે એમ પણ સુશીલાને સૂઝ્યું નહીં. કોઇક માંદગીને બિછાને પડેલી સ્ત્રી પોતાની પાસે નિર્મલ સામયિકોનું પુણ્ય માગે છે; પોતાને જોઇ લેવા ઝંખે છે; પોતાનો મેળાપ થયે એક મૃત્યુ પામતા માનવીની સદ્‍ગતિ થઇ શકે છે; ને પોતાની ઉતારેલી ચોપડીઓની બીતી બીતી માગણી કરનાર એક કન્યા પોતાને સ્વપ્નમાં જોવા તલસે છે - આ બધું સુશીલા જેવી સાદા મનની કન્યાના અંતરમાં મમતાનો આંબો ઉગાડવા માટે પૂરતું રસાળ ખાતર નહોતું શુ?

પોતાના શરીર પર એણે ફૂવારો ખુલ્લો મૂક્યો. પાણીની ધારાનો સ્પર્શ એકાએક ઘણો મીઠો બન્યો. કાનમાં કોઇક 'ભાભી ભાભી' કહ્યા કરે છે; બરડા સુધી હાથ પહોંચી નથી શકતો એટલે જાણે કહે છે, 'લ્યો ભાભી, હું તમારો વાંસો કરી દઉં? લ્યો, ભાભી આવડા લાંબા