પૃષ્ઠ:Vevishal.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારા વાળ છે, તમારાથી ચોટલો શેં ચોળાશે? લ્યો હું ચિકાકાઇ ને આંબળાં ચોળી દઉં?'

ફુવારો બંધ કરીને બાથરૂમની કમરપૂર આરસીમાં જોતી જોતી એ શરીર પર ટુવાલ ઘસવા લાગી. શ્યામળો શરીર-વાન ઊઘડતો લાગ્યો. છાતી અને પેટ પરથી, કપાળ અને ગાલ પરથી દડ દડ દોટ લઇ નીચે ઊતરતાં જળબિંદુ જીવવાળાં જણાયાં. એકાએક એને વિચાર આવ્યો કે વિજયચંદ્રને નાનાં ભાઇ-બહેન છે કે નહીં? મા હશે? હોય એવું લાગતું નથી. એના મોં પરથી જ ભાસ થતો નથી. ચહેરાની રેખાઓ કથે છે કે, હું તો ફક્કડરામ છું, મારે બીજી કશી વળગણ નથી. જાણે કોઇક ઓરડીમાં પેસતા જ ઓરડી આપણને કહેતી હોય છે કે, 'હું તો આઠ બાય આઠની (આઠ ફૂટ ઓરસચોરસ) છું; મારી પાસે બીજી કશી લપછપ નથી.' કેટલાક માણસોના ચહેરા પણ સુશીલાને 'આઠ બાય આઠ' જેવા જણાતા. એવો ચહેરો વિજયચંદ્રનો હતો. જે બધું તે બધું જ એ ચહેરાની સપાટી પર હતું. સપાટી બહાર કોઇ ઇતિહાસ નહોતો.

ટુવાલ ઘસીને કપડાં બદલાવતી સુશીલા જ્યારે વિજયચંદ્રને ભાઈ - બહેનો ન હોવા વિશેની માનસિક ભાંજગડમાં પડી હતી, ત્યારે 'લગ્ન'નો પ્રશ્ન જ એના દિલમાં આપોઆપ ચર્ચાઇ રહ્યો હતો. બહાર હિંડોળાખાટે બેઠેલી બા બોલતી હતીઃ "મારે તો લાખ વાતેય મારી છોકરીને જાડાં માણસોની વેજા વચ્ચે નથી દેવી. છોકરીને ફોલી જ ખાય કે બીજું કાંઇ થાય? એયને કોઇક સવતંતર છેકરો જોવો - બે માણસનું રસોડું પતાવીને નિરાંતે મનધાર્યું જીવી શકે! સવવંતર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ?"

એ 'સવતંતર' શબ્દ સુશીલાની બાના મોંમાં લીંબુની મીઠી પીપરમિન્ટ સરીખો બની જતો. બા જાણે કે બોલતી નહોતી, એ શબ્દને ચગળી ચગળી ચૂસતી ચૂસતી રસ લેતી હતી. 'સવતંતર!' અર્થાત્ 'સ્વતંત્ર'