પૃષ્ઠ:Vevishal.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બનાવટ મને પોતાને નથી ગમી, પણ ફેરફાર કરવા માટેની મથામણ નિષ્ફળ ગઈ છે; લખ્યું તે અણલખ્યું થઈ શક્યું નથી.

આ વાર્તાની લખાવટમાં રસ લેનારાં ને કાગળો લખી લખી ખૂબીઓ વખાણનારાં, પીઠ થાબડનારાં, ત્રુટિઓ તેમ જ ભયસ્થાનો બતાવનારાં નાનાં ને મોટાં, નિકટનાં ને દૂરનાં, સર્વે ભાઈબહેનોને આભારભાવે વંદન કરું છું. તેમની સૌની કલ્પનાને હું પૂરો ન્યાય આપી શક્યો છું કે કેમ એ વિચારે ધ્રુજારી પણ અનુભવું છું. પણ તેમાંના જેમને જેમને આ વારતા ‘સમોરતં શુભ લગ્નં આરોગ્ય ક્ષેમં કલ્યાણં’ કર્યા વગર અપૂર્ણ લાગે, તેમને એટલું જ યાદ આપું છું કે ‘વેવિશાળી’ની વાર્તામાં લગ્નજીવન અને કચ્ચાંબચ્ચાંની પીંજણ મારાથી કલાના કાયદા મુજબ ન જ કરી શકાય. ‘વેવિશાળ’ની વાર્તાએ વેવિશાળનો જ પ્રસ્ફોટ કરીને ચૂપ થવું ઘટે છે.

રાણપુરઃ ઉત્તરાયન, 1995 [સન 1939]
ઝવેરચંદ મેઘાણી
 

[બીજી આવૃત્તિ]

સામાન્ય વાચકો તેમ જ વિવેચકો, બંનેએ આ વાર્તાને સરખા પ્રેમથી વધાવી લીધી છે. એ ચિત્ર ખાસ કાઠિયાવાડના સમાજ-જીવનનું હેવા છતાં – અને પાત્રોનાં મુખમાં મુકાયેલી ભાષા વગેરેની કેટલીએક ખાસિયતો તળપદી કાઠિયાવાડી છતાં - ગુજરાતીઓ સમસ્તને એમાં રસ પડ્યો છે, એ મને અનેકના પરિચયથી જાણવા મળ્યું છે. આટલા સત્કાર કરતાં લેખકને વધુ શું જોઈએ?

રાણપુરઃ જ્યેષ્ઠી પૂર્ણિમા, 1998 [સન 1942]

[7]