પૃષ્ઠ:Vevishal.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ દરમ્યાન લીના ધીરે ધીરે સુશીલા પાસે પહોંચી ગઇ હતી. એને તો આશા હતી કે ત્રણ દિવસ પર આવેલી આ સ્ત્રીને ઘેર જ 'સ્માર્ટી' ગયો હશે. એને ઉમેદ હતી કે સ્માર્ટીને જ મોકલી આ બાઇ કાં તો કશીક ભુલાયેલી ચીજ લેવા આવી છે, અથવા તો મને 'થૅંકસ' (આભાર) આપવા આવી છે.

"કેમ 'પેશન્ટ' પહોંચી ને ગયા તમારી પાસે?" એટલું કહીને સુશીલાના ચમકતા મોંનો ખોટો જ અર્થ બેસારનારી લીનાએ પોતાની જીભ ચાલુ જ રાખીઃ "મેં સ્માર્ટીને ઘણું કહ્યું કે તારી કઝિનને (પિત્રાઇ બહેન ને) ખબર આપવા દે. પણ એ કહે કે નહીં, મારે તો ઓચિંતા જઇને સૌને ચકિત કરવાં છે. મારે તો એને હજુ વધુ આરામ લેવરાવવો હતો, પણ આ ઘાતકી ડૉક્ટરો, ક્રૂર અદેખાઓ મારી સામે ચાડી કરી બેઠા, એટલે મારી બાજી ઊંધી વળી ગઇ. ગામડિયા પેશન્ટને નજીવા આરામ જેવું જણાય કે બસ તે જ વખતે આ નિષ્ઠુરો કાઢી મૂકે છે" કહેતી કહેતી એ હાથ પછાડવા લાગી. "આમ કહો, સ્માર્ટી મને યાદ કરે છે કે નહીં? મને કશું કહેવરાવ્યું છે? ગયો તે વખતે 'થેંક્સ" જેટલો બોલ પણ ન બોલતો ગયો. બસ, કહે કે, જે સ્ત્રીને શબ્દો મારી આંખોમાં છે તે જ વાંચી લ્યો, બિચારો!"

આ બધી પિંજણ સુશીલાને પસંદ થોડી જ આવે! આંખોના ભાવ વાંચવાનું સુખલાલે આ ખ્રિસ્તી નર્સને ખરેખર કહ્યું હશે? એવું રસાત્મક વાક્ય બોલતાં એને આવડતું હશે? એની આંખોના બોલ ! યાદ કર્યું એનું મોં, યાદ કરી એની આંખો! ત્રણ જ દિન પૂર્વે આ સામેની પથારીમાં એ આંખો શું બોલતી હતી તે યાદ કર્યું, અને સુશીલા અધીર બની.

"એને હજુ સમાલજો, હો કે!" લીના સુશીલાની નિરુત્તર વાચાને સમજ્યા વગર જ બોલીઃ "ડાકટરો તો જૂઠા છે. તેમને રોગની ખબર જ નથી પડતી. ડંફાસુ છોકરાઓ છે!"

"મારે ત્યાં નથી આવેલા." સુષ્ક અવાજે સુશીલાએ કહ્યું.