પૃષ્ઠ:Vevishal.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(આવી રૂપાળી મા હોવી એ તો જેવું સૌભાગ્ય!)" એમ બોલતી લીના એમની પાસે ગઇ.

"એમને આપ બે'ન, કે મે'તરાણી વગેરેને તેમ જ ધર્માદામાં સુખલાલની વતી આપી દે." ભાભુએ કહ્યું.

"નેઇ, નેઇ," સમજેલી લીના પોકારી ઊઠી, "તુમ કાયકો? મૈંને દિયા હૈ."

"નહીં, લ્યો ને લ્યો જ" સુશીલાએ લીનાનો હાથ ઝાલ્યો. લેના જ પડેગા. અમારા બી ઉસમેં-ઉસકો-ઉસ" સુશીલા ગોટવાઇ ગઇ. એને શું કહેવું હતું! કાંઇક એવું કહેવું હતું શું કે જે કહેવા જતાં જીભ કદી જ સીધી ચાલી નથી! શું કહેવું હતું? "ઉસમેં" એટલે કે સુખલાલમાં એને શો રસ હતો ને સુખલાલના આરામમાં એનો કયો આનંદ હતો? ગરીબો પ્રત્યેના એ ભાવમાં શું સુખલાલ પ્રત્યેના ભાવનું આવિવરણ હતું?

"નેઈ, નેઈ, નો, બિલકુલ નો, "એમ કરતી લીનાએ કહ્યું, "અમારા ભી ઉસ પર ફીલિંગ થા, ફીલિંગ- ફીલિંગ - તુમ ઉસકો ક્યા કહેતો હો, હેં? ફી...લિંગ!"

'ફીલિંગ' શબ્દનો અર્થ લીના ન કરી શકી. ત્યાં તો અંદરથી અવાજ પડ્યોઃ "લીના, જલદી આવ, તારા નવા 'સ્માર્ટી' પધારે છે, જલદી ચાર્જ લઇ લે."

રૂપિયા પાંચ એના હાથમાં મુકાતા હતા તે ન પકડતાં લીના અંદર દોડી. જ્યૉર્જ છાપનાં પાંચ ચાંદી - ચગદાં ઠણ ઠણ કરતાં નીચે દડવા લાગ્યાં.એને વીણવા નમેલી સુશીલાની આસપાસ દરવાન, વૉર્ડ-બૉય, મહેતરાણીઓ વગેરે દોડી આવ્યાં, એ દરેકને સુશીલા આપવા લાગી, અને બીજી બાજુ 'સ્માર્ટી' શબ્દના શ્રવણથી ઘડીભર એક સુખદ ફાળ ખાતી સુશીલાએ અંદર જોયું. એક ચીતરી ચડે તેવા વૃકોદર અને દુર્ગંધ મારતા દર્દીને બાથમાં લઇ સુવાડતી હતી તે દેખીને સુશીલા ભાગી, અને ભાભુને કહ્યું: "ભાભુ, ચાલો, આંહીં તો કોઇને ખબર નથી."