પૃષ્ઠ:Vevishal.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ બે-ત્રણ જુવાનો સુખલાલના બાપા પર તરપીટ પાડી રહ્યા હતા:

"તમે તો ફુઆ, આદમી કે ચીભડું! છોકરો આંહીં આવેલ છે એ ખબર તો ન આપ્યા, પણા આંહીં ઘોડાગાડી લાવીને ઊભી રાખો છો ત્યાં સુધી કાંઈ ખબર જ પડવા દેતા નથી ! તમે તો માણસ કે કે ચીભડું!

" આ તે મુંબઈ છે કે મસાણ? હેં કાકા ! સગાંવહાલાં શું બધાં મરી ગયાં'તા એમ માન્યું ?" બીજાએ ટ્રંક ઉપાડતે શ્વાસભેર ટોણો માર્યો.

"હવે મામાની ટાલ કાં તે પાડો? એલા પંખો લાવ, સુખાને પવન નાખ," એક ત્રીજાએ પાસે બેસીને કહ્યું.

ઉપરા ઉપરી બે ગાદલાં બિછાવીને કરેલી પથારીમાં સુખલાલને સુવાર્યો હતો. એ કહે કે "મને કાંઈ નથી, મારે બેસવું છે."

"ના," એના પિતાને ફુવા કહેનારે કહ્યું, " નહીં બેસવા દેવાય ડૉક્ટરની રજા લઈ આવ્ય." કહેનારનું નામ ખુશાલ.

"હા બેટા," બાપે કહ્યું, "નરસે ના પાડી છે."

"આંહી પણ નર્સ-નર્સ !" સુખલાલે સ્મિત કરતે કરતે કહ્યું: "ત્યાં કડપ રાખતી, પણ આંહીંયે સુખે રહેવા નથી દેતી! બાપાને પાર વિનાની ભલામણો કરી દીધી છે - કોણ જાણે ક્યારે મારો છુટકારો થાશે!"

"પણ તારે હવે છુટકારો કરાવીને જવું છે ક્યાં ? તારા સસરાને ત્યાં ને?" એમ બોલીને મામાના દીકરા ખુશાલે બીજા જુવાન પ્રત્યે મિચકારો કર્યો.

સુખલાલના મોં પર એ મશ્કરીની ભાત ભડકામણી ઊઠી.

સાંજ પડી ગઈ તેમ તેમ માળાના જુવાન નિવાસીઓ તેમ જ શહેરમાં જુદે જુદે ઠેકાણે વસતા થોરવાડ ગામની આસપાસનાં સગાંઓ ધબાધબ દાદર ચડતાં આવ્યાં. તેમના હાથમાં જાડા જાડા હાથાવાળી હરણ છાપ છત્રીઓ હતી. છત્રીઓને પૂંછડે દેવરાવેલ નવાં થીગડાં આગલી સાલના મૂળ પરમેટા સાથે જુદી જુદી ભાત્યો પાડતાં હતાં. દાદરના પગથિયાં છેક છેલ્લી સીડીએથી ખબર દેતાં હતાં કે આ બધા