પૃષ્ઠ:Vevishal.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બૂટ-જોડા મુંબઈની બનાવટના નથી, પણ અમરેલી-જેતપુર, જૂનાગઢ, રાજકોટ વતેરે સ્થળોના ખમીરધારીઓ છે.

તેઓ આવતા ગયા, સાંકડી એવી ચાલીમાં ગોઠવીને હારબંધ પગરખાં ઉતારતાં ગયાં. છત્રીઓ તેઓએ ધોતિયાં સૂકવવાને વાંસડે ટાંગી. તેમાંથી મુંબઈના ગાંડા વરસાદનાં પાણીની નળ જેવડી ધારો થતી હતી. અને ઓરડી તો 'કાં અદા ! કાં અદા!' 'ઓહો ! બાપા!' વગેરે શબ્દોથી ફાટ ફાટ થઈ રહી એક પછી એક તમામ આવી આવીને સુખલાલના પિતાને ભેટી ભેટી અથવા ખોળે હાથ નાખી મળ્યા અને સુખલાલ તરફ જોઈ બૂમાબૂમ કરી ઊભા : "કાં ભાઈ, શાવકાર સસરાના નસીબદાર જમાઈરાજ, કો',કેટલી કેટલી વાર તને પેઢી માથે ટેલિફોન કર્યો, કેટલી વાર ચાહીને મળાવા તારા સસરાની પેઢી માથે નીકળ્યા, પણ તારો તો નસીબદારનો પત્તો જ નહીં ! શું સાસુની પાસેથી છાનાંછાનાં બૅંકની નાણાંની ચોપડિયું સંભાળવામાં પડી ગ્યો'તો ? કે ..."

"કે પછી શું સસરાની સિંગાપુરની પેઢી માથે મૅનેજર બનીને ઊપડવા સામાન પૅક કરતો'તો?" બીજાએ કહ્યું.

સુખલાલ એ સૌ મહેણાં મારનારાઓને જવાબ આપવાની સ્થિતિમાં હતો, ઊભા થવા પ્રયત્ન કરતો હતો. ત્યાં તો બાપા બોલી ઊઠતા:

"બેટા, નરસે ના કહી છે; પછે તો જેવી તારી મરજી."

ઓરડીના માલિક જુવાન ખુશાલભાઈએ આ શબ્દઝડી વરસાવનારા સંબંધીઓને બહાર છાનામાના બોલાવીને કહી દીધું : "એના સસરાવાળી વાતનો ઇશારોય કરતા નહીં. અને સૌ ભેગા મળી બીજી ગમ્મત કરાવો, ટુચકા કહી હસાવો, ગંજીપે રમાડો."

"કાં?"

"પછી કહીશ."

એટલી ટકોર સાથે જ વાતાવરણ બદલી ગયું. ગંજીપા નીકળી પડ્યા. હનુમાનગલીના એ મહોલ્લાને ચોથે દાદરે મળેલા પંદર-વીસ