પૃષ્ઠ:Vevishal.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જુવાનો ને આધેડો પૈકીના ઘણાખરા જ્યારે મુંબઈ આવવા માટે દેશમાંથી નીકળેલા હતા ત્યારે રેલભાડાના પૈસા ઉછીના લેવા પડેલા. તેઓએ મુંબઈ ઉપર મીટ માંડી, કેમ કે ભણતર તેમનાં અટકી પડેલાં. ભણતર અટક્યાં તેનું કારણ બુદ્ધિનો અભાવ નહીં, પણ માસિક રૂપિયા-બે-રૂપિયા ફીનો અભાવ હતો. કોઈની મા વિધવા બની વરસ વરસના ખૂણામાં પૂરાઈ હતી. કોઈના બાપને જુવાન દીકરી ઓચિંતી રાંડતા કાં વિચારવાયુ થઈ ગયું હતું. કોઈના માવતરને બેઉને થોડે થોડે આંતરે કાં મરકી, કાં કૉલેરા ને કાં મૅંનિંજાઇટિસના સપાટા, સમળી જેમ ચાંચને ઝપાટે ચકલીના પોતાને ઉપાડે તેમ, આકાશે ઉપાડી ગયા હતા.

કોઈ પરણી ચૂક્યો હતો; કોઈ પાંચેક વર્ષની નોકરેમાંથી ટીપું ટીપું બચાવી પરણવાની વાટાઘાટ ચલાવી રહ્યો હતો; કોઈ હજુ પરણાવવા બાબતની મશ્કરીનું જ પાત્ર બનીને મીઠાશ માની રહ્યો હતો; કોઈ પરણેલી સ્ત્રીને તેડાવવા માટે માળે માળે ઓરડી શોધતો અથડતો અથડતો નાકે દમ આવી ગયાનું કહેતો હતો.

આવેલામાં એક દાક્તર હતાં, ને એમના આગમન વખતે બધાએ એકસામટા તાજુબીનો 'ઓહોહોહો ! આપ' એવો ઉદગાર કાઢ્યો હતો. એ દાક્તર જુવાન બેઠો ત્યાં સુધી હાસ્યવિનોદ અટકી રહ્યાં હતાં. ફક્ત એ ઓરડીના માલેક ખુશાલચંદે સુખલાલના પિતાએ ફોડ પાડ્યો કે "કાં ફુઆ આ ભાઈને ઓળખ્યા - આ દાક્તર સાહેબને?"

"કોણ?"

"આંબલા ગામવાળા નેણશી દોશીના ચિરંજીવી ગુલાબચંદ."

"હા, ઓ હો ! ભાઈ ગુલાબભાઈ ! ઓળખાણો જ નહીં. દાક્તર ક્યારે થઈ ગયા, ભાઈ ? હજી હમણાં લગી તો કટલરીની દુકાને હતા ને?"

"સ્પેશિયાલિસ્ટ છે."

"શેના?"

"બાઈયુંના."

"બાઈયુંના ? એમ!"