પૃષ્ઠ:Vevishal.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અમારે આ દાક્તર માટે."

"એમ કેમ? એનું લગન તો આપણા દલીચંદને ઘેર થયું છે ને?"

"થયું છે, પણ..."

"હવે ભઈ, રે'વા દો ને." દાક્તર જુવાન આટલું કહેવા કરતાં વધુ ગુસ્સો ન કરી શકે તેવું આ ઓરડીના માલિક ખુશાલનું વ્યક્તિત્વ હતું.

વીશે જણાને વાતાવરણ ફાટફાટ થતું લાગ્યું. ફુઆના પ્રશ્નોનો ભત્રીજા એ જવાબ દીધો:

"એ બાઈ તો ભણેલા નથી તેમ રૂપાળાં કે ડાહ્યાં નથી. એવી આ અમારા દાક્તરને હમણાં ઓચિંતી દસ વરસે ખબર પડી એટલે એને આ નવો વિચાર કરવો પડ્યો છે. કટલરીની દુકાને હતા ત્યાં સુધી તો કશી ખામી ન દેખાઈ. હોય ! આપણી બુદ્ધિ જેમ જેમ આગળ વધે, ટાંટિયા ઢરડતાં ઢરડતાં ઘરની મોટર જેમ આપણે વસાવી શકીએ, તેમ તેમ જ ખામીઓ સૂઝે ને ! જાગ્યા ત્યાંથી સવાર. કેમ, નહીં ફુઆ?"

આ દાક્તર જુવાને દસ વર્ષના પરણેતર પછી પત્નીને અભણ-અબુધ કહી પિયર વળાવી હતી.

સુખલાલના પિતા ચૂપ રહ્યાં. વીશે જણા ઊંધું ઘાલીને હસવું દબાવવાનું સામટું જોર કરતા હતા. દાક્તર જુવાન પોતાની આ માર્મિક પટકી પકડી પાડનાર પોતાના થોડા દૂરના વડીલ સંબંધી તરફ કાંઈક તોછડી, કાંઈક દયામણી ને કાંઈક હસતી દૃષ્ટિએ જોઈ રહ્યો. સામો શબ્દોચ્ચાર કરવાની એની હિંમત નહોતી, કેમ કે દિવસભર વાસણોનો સૂંડલો મજૂર માથે મુકાવીને મહોલ્લે મહોલ્લે ફેરી કરનાર આ ખુશાલભાઈ સાંજ પડ્યા પછી પોતાના પ્રદેશના તમામ કાઠિયાવાડીભાઈઓની સંભાળે જનાર હતો; કલકત્તા, મદ્રાસ વગેરે બાજુ જનારા દેશી ભાઈઓનો એ મુંબઈ ખાતેનો વિસામો હતો. સામાન પૅક કરાવીને નીચે ઉતારવાથી લઈ સ્ટેશને લગેજ કરાવવા સુધીનો એ સર્વ મહેમાનોનો માર્ગદર્શક હતો. ટ્રેનોની ચિકાર ગિરદી વચ્ચે બે હાથ પહોળા કરી, મારી તેમ જ માર ખાઈ, લોહી લોહાણ થવું પડે તો પણ થઈ, સ્નેહીઓ-સંબંધીઓને સૂવા જેટલી