પૃષ્ઠ:Vevishal.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નમતો દી; એનું છોકરું ક્યાં ! ક્યાં આપણું ! હેં ખુશાલ, આ કમેળનો મોહ રાખવો ઠીક છે? તારું શું ધ્યાન પડે છે?"

સુખલાલનો પિતા શાંત રહ્યો. ખુશાલચંદે કહ્યું : " જુવો, દુનિયામાં કન્યાનો કાંઈ દુકાળ નથી. દીકરી જણવાનો ઇજારો એકલી એની બાયડીને જ ઇશ્વરે નથી દીધો. ઈ સંતોકડી જેવી જ સારી છોકરિયું આપણા ગામડામાં પાકે છે. ને સંતોકડી તો હજી ગઈ કાલ સુધી થોરવાડના ઉકરડા માથે જ રખડતી'તી ને? એનું કંઈ નથી. બાકી ધાકધમકીની બીકે કન્યા મેલી દેવી એ આપણા મિજાજમાં તો નથી ઊતરતું, ફુઆ!"

"શું કરીએ, ભાઈ?"

"શું કરીએ ? અરે ફુઆ, કહું છું કે એની સાત પેઢીના ધૂંવાડા કાઢી નાખીએ. એ દીકરો શું સગપણ તોડશે - ને તરકટ કરીને તોડશે? માણ્સ જેવા માણસને કાયમને માટે દુનિયાને નપાવટ ઠરાવીને તોડશે? તો તો એની ખોપરી ન તોડી નાખીએ, ફુઆ!"

"આપણું શું ગજું ?"

"જોવો છે ચમત્કાર, હેં ફુઆ?"

"ના રે બાપા! આપણે ગરીબ માણસ : ભૂંડા લાગીએ ને પાછા દુઃખી થઈ જઈએ. વળી એ બાપડી પશુડીને બળજબરાઈએ ઘેર લાવીને પછી એના હૈયાના નિસાસા લેવા. એના મનનો મેળ ન મળે..."

" હા, એ વાત મુદ્દાની કરી. એ જૂના જમાનાનો તો હુંય નથી; ચોટલે ઝાલીને ઢસરડી લાવવામાં કુળલાજ કહેવાય એ તો મનેય કબૂલ નથી. માટે પહેલું તો એ કન્યાની - સંતોકડીની શી મરજી છે તે જાણવું"

સંતોક બદલીને સુશીલા નામ પડેલું તેની ખુશાલને ખબર છતાં એ જાણી બૂઝીને જૂનું નામ વાપરતી હતો.

"એમાં જાણવા જેવું શું હોય ? સાંભળ્યું છે બાળકી સારી છે; પણ આપણા ખોરડામાં આવીને રે'વાનું તો એને થોડું જ મન થાય?"

"તો મેલીએ તડકે, પણ વેવાઈ માફીપત્ર લખી આપે તો જ મેલીએ. વેવાઈ જો દબાવે તો તો ભાંગીએ માંથું"