પૃષ્ઠ:Vevishal.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

13

કામે લાગી જા !


મોડી રાતે ખુશાલભાઈ અને સુખલાલના પિતા પાછા ફર્યા. માળાના બારણા સુધી દેકારા બોલાવતી આવેલી ખુશાલની જીભ અને એના જાડા જેતપુરી બુટ પહેલા દાદર પરથી જ ચૂપ બન્યાં. ઘસઘસાટ સૂનારો એ પોતે બીજાઓની નીંદ પ્રત્યે પણ ઘણો જતનવાન હતો. દાદર પછી દાદર, વટાવતા ગયા, નસકોરાંની નવનવી બંસીઓ સંભળાતી ગઈ, અને કેટલીક ઓરડીઓમાં મુંબઈની બાફ જેમનાં બિછાનાંનો શેક કરી રહી હતી, તેઓનાં પાસા ફેરવવાનો અને કાગળનાં પૂઠાં વડે વીંજણો ખાવાનો પણ સંચાર સંભળાતો હતો. કાપડ-માર્કિટની પીઠમાં હારબંધ ઊભેલાં પેશાબખાનાં આ બફાયેલી હવા ઉપર પોતાની બદબોની બોજ લાદી રહ્યાં હતાં. વાયુની પીઠ જાણે કે એ દુર્ગંધની ગાંસડીઓ હેઠળ ભાંગી પડતી હતી.

ચોથા માળ પરની હવા એ પેશાબખાનાના પંજામાંથી જાણે મુશ્કેલીથી છટકીને છુપાઈ રહી હતી. ધરતી પરની એ બદબોના ફૂંફાડાએ ખુશાલની ઓરડીને પણ છેક જ કોરી નહોતી છોડી દીધી. છતાં નસકોરાંના અવાજ બાતમી દેતા હતા કે સુખલાલ ગહેરી નીંદરમાં લપેટાઈ ગયો છે. એ નસકોરાંના નાદમાંથી ખુશાલે સુખલાલનાં ફેંફસાની સંપૂર્ણ તંદુરસ્તી ઉકેલી કહ્યું કે "ફુઆ, આને હવે નખમાંય રોગ નથી."

સવારે જાગેલા સુખલાલે પણ પહેલી વધાઈ એ દીધી કે, થોરવાડથી આવ્યે છ મહિના થયા, એમાં આવી નીંદર પહેલી જ વાર મળી.

"થઈ જા તૈયાર ત્યારે સુખા!" ખુશાલે કહ્યું

"શેના માટે?"

"આપણી સાથે પિત્તળ-ઍલ્યુમિનિયમનાં ઠામડાંની ફેરી કરવા માટે. તારે પોસાય તો રોજના રોકડા રૂપિયા બે ઉપાડી લે, ને હિંમત હોય તો વેચાણ કરી લાવે તેને માથે કમિશન લઈ લે. તારે સંજે ઘેર આવ્યા