પૃષ્ઠ:Vevishal.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી કોઈના બાપની સાડીબારી નહીં. ઉપર પાછી લટકામાં આહીંની જ ઊંઘ તારે રોજ લેવી. તારી ભાભી ગઈ છે સુવાવડ કરવા : બાર મહિના સુધી પાછી તેડાવે ઈ બેટ્ટા ! ભાદરનાં પાણી પી કરીને, જે દિન ભાદરની પાંચ હેલ્ય ખેંચવાના વાવડ આપશે તે દી પાછી મુંબઈમાં લાવવી છે."

"હું તૈયાર છું." રોજના રૂપિયા બેનું વેતન સાંભળી સુખલાલના કલેજાની રહીસહી નબળાઈ પણ જતી રહી.

"રોજની ત્રણ-ચાર ગાઉની ટાંટિયાતોડ થાશે, પણ ડરીશ નહીં તો એક જ મહિનામાં ધરતી તારા પગ હેઠળ ખમાખમા કરવા માંડશે, હો સુખા!"

સુખલાલના પિતા બહાર રવેશમાં દાતણ કરતા હતા. તેમને આ મશ્કરી ચાલતી લાગતી હતી. એ મોં ધોવા નળ ઉપર ગયા એટલે સુખલાલે ખુશાલભાઈનો હાથ ઝાલ્યો, ને પૂછ્યું:

"સાચું જ કહો છો ને ભાઈ?"

"તારી મશકરી હું ન કરું."

" તો મારા બાપાને કહેજો હો, મને કોઈ બહાને પાછો દેશમાં ન લઈ જાય." બોલતો બોલતો સુખલાલ જાણે કે પિતાના આગ્રહથી મરતી માતાની કલ્પનામૂર્તિની કાકલૂદીથી, નાની બહેનના નાના કૂણા હાથના આકર્ષણથી ને બીજી અનેક લાગણીઓથી ઘર તરફ ઘસડાઈ જવાની બીકે ખુશાલના હાથે બાઝી પડ્યો. એ ખડો થયો. એણે કહ્યું : "ખુશાલભાઈ, મને નખમાંય રોગ નથી, મારે સૂઈ નથી રહેવું. મને કોઈ રીતે તમારી સાથે લઈ જાવ."

એ ઊભેલી સ્થિતિમાં હતો, ત્યાં તો પિતા મોં ધોઈને આવ્યા. એણે ફાળ ખાઈને કહ્યું : " પણ તું ઊઠ્યો કાં, ભાઈ? આવી મૂરખાઈ કાં કર !"

"પણ મને કાંઈ નથી."

"તું ડાહ્યો કે નરસ ડાહી? તું સમજ કે એ સમજે ? એણે શું તારે માથે દાઝ કે અદાવતરાખીને કહ્યું હશે મને -કે તુંને ઊઠવા જ દેવો!"

"તો હાલો એને મોઢે થાવા. હવે તો એના હાથમાંથી મારો છૂટકો