પૃષ્ઠ:Vevishal.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગજવામાં હતો. ત્યાં પડેલી એક નાની એવી ચીજ એને એક જરૂરી કામની યાદ આપતી હતી. એણે સુશીલાના ઘરનો રસ્તો લીધો.

ટ્રામો, બસો અને ગાડીઓના માર્ગમાં આ ગામડિયો અટવાતો, વિચારગ્રસ્ત બનતો, મોટરનાં ઘોઘરાં ભૂંગળાથી ચમકતો, ટ્રામોની ઘંટડી પ્રત્યે છેલ્લી પળ સુધી બેધ્યાન રહીને તોબાહ બનેલા કન્ડક્ટરોની રોષ-ભ્રૂકુટિ વડે ભોંકાતો. "અરે તુમ ઇન્સાન હૈ કે ગ..." એવો ઠપકો સાંભળીને મનમાં એ ઠપકાનો બાકી રહી હતો છેલ્લો અક્ષર 'ધા' પૂરો કરી લેતો એ માર્ગ કાપતો હતો. પણ એને ખરેખરો ઓળખ્યો પાલનપુરી વિક્ટોરિયાવાળાએ ! એ ચતુર લોકોએ પોતાની આગળ ચાલતા આ ગામડિયાની સૌથી આગળ પડતી એંધાણી પારખીને ટપાર્યો:" હટ એઈ, ખાસડિયા!"

સાચે જ સુખલાલના પિતાના પગમાં થોડી વાર ઓખાઈ જોડા પહેરાયેલા જેવા નહોતા લાગતા, પણ જુવાન પુત્રોની પાછળ ઘસડાતાં બુઢ્ઢા માતાપિતાની પેઠે પરાણે પરાણે ઘસડાયે જતા લાગતા હતા.

ગમે તેમ પણ ટ્રામનો એક આનો બચાવ્યાનો માનસિક ગર્વ અનુભવતો પિતા વેવાઈ-ઘરને દાદરે ચડ્યો. લિફ્ટ હતી, લિફ્ટવાળો પણ હતો. આવે ખાસડે લિફ્ટને બગાડવા જતાં ગામડિયાને શરમ આવી. દાદર એને અજાણ્યાને વધુ આત્મીય ભાસ્યો.

પહેલા જ ખંડમાં રસોડા પાસે બે જણીઓ - ભાભુ અને ભત્રીજી બેઠી બેઠી લીલા વટાણા ફોલતી હતી. તેમણે મહેમાનને જોયા અને ઓળખ્યા. સુશીલાએ સાડીનો છેડો આગળ કર્યો, પણ એ ઘુમટો નહોતો; ફક્ત મોં ઢંકાય એવો એક બાજુનો પડદો કરીને એણે સાડી સરખી ગોઠવી. સાડીની કિનારમાં આલેખેલા મોરલા એના ગાલના ગલ જોતા જોતા ઝૂલી રહ્યા.

ભાભુએ ઊભાં થઈને આદર આપ્યો : "પધારો ! પધારો કાકા ! આમ તે કાંઈ હતું હશે ! બચાડા જીવ તમારા વેવાઈએ કેટલી વાર...?"

એ શબ્દોમાં નરદમ જૂઠાણું હતું. એ જૂઠાણું ઘણાંય સત્યો કરતાં