પૃષ્ઠ:Vevishal.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધુ પવિત્ર હતું. એ જૂઠાણું પૂરું થયા પૂર્વે તો ભાભી ત્યાં પડેલા સોફા પરથી કપડાં ને કૂંચીઓ ઉપાડી લઈ વેવાઈને બેસાર્યા.

પેલું જૂઠાણું અરધેથી પડતું મૂકીને ભાભુએ ઝટઝટ કહ્યું : " અમારે સુશીલા બચાડી જીવ કેટલી કોચવાયા જ કરે છે કે કેમ નહીં આવ્યા હોય એના સસરા ? કેમ નહીં આવ્યા હોય ? ક્યાં ગયા હશે?"

આટલું બોલાતું હતું તે દરમિયાન સુશીલા આસ્તેથી ઊઠીને બીજા ખંડમાં સરી ગઈ ને ત્યાં ઊભી ઊભી સાંભળતી રહી.

સુખલાલના પિતાએ પાઘડી ઉતારીને ખોળામાં મૂકી પસીનો લૂછતે લૂછતે ગોટા વાળ્યા : " અરે બે'ન, બધાં સગાં આવીને વળાગી જ પડ્યાં ને ! મને ઘણુંય થયું કે બીજું કાંઈ નહીં, પણ એક વાર આંટો જઈ આવું, ને આ તો પાછું આપી આવું."

એટલું કહેતે કહેતે છેક ઇસ્પિતાલમાં ને ખીસામાં રહેલો એનો જમણો હાથ ખીસામાંથી બહાર નીકળ્યો. એમાં મોતી જડીત બજરની દાબડી હતી - જે દાબડી તે રાત્રીએ સુશીલાએ સસરાને ઇસ્પિતાલે મોકલી હતી.

"ચાય તોય જોખમ કહેવાય ને, બાપા ! સાચાં મોતી જડેલાં છે. શું કરું? ગૂંજામાં રાખતો'તો." એમ કહેતે કહેતે એણે દાબડી પોતાના ખેસ વતી લૂછી કરીને નીચે ધરી દીધી.

"અરે, બચાડા જીવ !" ભાભુએ મરકતે મોંએ કહ્યું, "જો તો ખરી, બાઈ ! કેવાં માણસ ! ડાબલી પોં'ચાડવા જ આવ્યા : બાકી કાંઈ સંબંધ જ કેમ ન હોય જાણે !"

"ના. એમ તે કાંઈ હોય ? કહેતાં જીભ કપાય ને!"

"સુખલાલને કેમ છે? આંહીં કેટલી ચિંતા થાય ! કાલ અમે ઇસ્પિતાલે ગયાં તે કેટલો ધ્રાસ્કો પડ્યો ? સુશીલા તો સૂનમૂન બની ગઈ. આમ તે કાંઈ હોતું હશે? માણસ ખબર તો આપે ને !"

"ના, પેઢી માથે ટેલિફોન તો જોડાવ્યો'તો; પણ મને કાંઈ બોલતા આવડે નૈ, ને સામેનો બોલનાર મારું કંઈ સમજે નૈ, એટલે પછી સામેથી