પૃષ્ઠ:Vevishal.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઈકે સમજ્યા વગર કહ્યું કે આવા લપલપિઆ કેટલાક હાલ્યા આવો છો? માળું હું તો , વેવાણ, હસી હસીને ઢગલો થઈ ગયો. ટેલિફોનમાં માણસ સામા માણસને ઓળખ્યા-પારખ્યા વગર ગાળ્યું ય દઈ શકે ! કહ્યું કે હવે નાહક ટેલિફોન ન બગાડ્યા કરવો. હું પંડ્યે જ જઈ આવીશ."

"પણ સુખલાલને કેમ છે?"

"તમારા પુન્ય પરતાપે પૂરો આરામ છે, હમણે જ ઇસ્પિતાલ જઇ આવ્યો. દાગતર તો કહે છે કે રોગ નામ નથી, પણ ઓલી એક નરસ હતી ને, ભાળ્યું, એણે અમને કોણ જાણે કેમ પણ છેવટ સુધી ભડાકાવ્યે જ રાખ્યા."

સુશીલાને એક તરફથી તો આ વાતો તરફ કાન માંડવાના હતા, બીજી બાજુ અગાશી પરની બંગલીમાં પણ સાંભળ્યા વગર રહી ન શકાય તેવી વાતો ચાલતી હતી. સુશીલાને ખબર નહોતી કે પોતે નાહવા બેઠી તે દરમિયાન ગુપચુપ બિલ્લી પગે એક માણસ પોતાના મોટા બાપુજીની પાસે પહોંચી ગયો હતો. એનો અવાજ પરખાયો હતો : એ હતો વિજયચંદ્રનો મીઠો કંઠસ્વર.

સુશીલાના કાન એ બંગલી પરના વાર્તાલાપ તરફ વધુ એકાગ્ર બન્યા. મોટા બાપુજી કહેતા હતા (એના સ્વરોમાં કાકલૂદી હતી) : "એટલી મારા ઉપર મહેરબાની કરો. ખુશીથી પાંચ વરસ વિલાયત ભણો - પણ પે'લાં લગ્ન કરીને પછી. હું તમારો બોલેબોલ પાળું : સુશીલાને તમે બતાવો તે શાળામાં મોકલું, અંગ્રેજી ભણાવું; સંગીત શીખવું - તમે કહો તે રીતે તૈયાર કરું. પાંચ માસ્તરો રાખું."

જવાબમાં શબ્દો સંભળાયા : "તો હું એક વરસ રોકાઈ જાઉં. તે દરમિયાન એનો અભ્યાસ, એની તાલિમ વગેરે કેવીક ચાલે તે જોઉં. તે જોયા બાદ લગ્ન કરું." એ અવાજ વિજયચંદ્રનો હતો. એમાં તાલબદ્ધ, ધીરાં, છતાં સત્તાવાહી શબ્દ-કદમોની કૂચ હતી.

"પણ હું એમ કહું છું, કે તમે લગ્ન કર્યા પછી ફાવે તેવો અભ્યાસ કરાવજો ને ! મારી સુશીલા કાંઈ ભોટ થોડી છે ! ગામડાનું