પૃષ્ઠ:Vevishal.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલા ક્યાં ઊભીને દર્શનની ચોરી કરતી હશે, તેનું કોઈ અનુમાન થઇ શક્યું નહીં.

એને નીચે વળાવવા જત મોટા શેઠને જોતાંવેંત સુખલાલના પિતા બેઠા હતા ત્યાંથી ઊભા થ ઇ ગયા, ને બે હાથ જોડી અપરાધીની માફક કરુણાળુ હાસ્ય કરતા ખડા રહ્યા.

"આવું છું,” એટલું જ બોલીને શેઠ નીચે ચાલ્યા ગયા. તે પછી તો ઘણી વારે મોટરનો ઘરઘરાટ થયો. મોટર પર પણ વાર્તાલાપ ચાલુ રહ્યો હોવો જોઇએ. સુખલાલના પિતા ભાભુને પૂછતાં પૂછતાં અટકી ગયા કે, આ ભાઇ કોણ હતા? જે એક નવા ધારેલા જમાઈની વાત ખુશાલે કરી હતી તે તો નહીં હોય? આવો દેખાવડો, આટલો ફાંકડો, આવા તેજ મારતા તાલકાવાળો આ જુવાન ક્યાં? ને ક્યાં મારો સુખલાલ?

ગામડિયા વાણિયાના મનના વિચાર બે માર્ગે ફંટાયા: એક વિચાર પોતાના દીકરાના પરાજયનો હતો: મારો સુખલાલ હવે તો નક્કી જ આ કન્યાને હારી ગયો. હવે એની શી ગણતરી હોય? આવો દેવના ચક્કર સરખો જમાઈ જડતો હોય તો સુખલાલનો કોણ ભાવ પૂછે? વહુ આ જુવાનને જોયા પછી સુખલાલને શી વિસાતમાં રાખે? વહુ એક વાર ઈસ્પિતાલે આવી તેથી મારો સુખલાલ મોટી આશા બાંધીને બેઠો છે. મારા દીકરાના મનમાં ખોટેખોટા હીંડોળા બંધાણા છે. એને આટલા કારણે જ મુંબઇ છોડવું નથી. એ ભરખાઈ જશે. એક દિવસ એ સાંભળશે કે વહુ તો બીજા જુવાનને પરણી બેઠી છે. ત્યારે ફાળ ખાઈને ફાટી પડશે. એને હું દેશમાં જ ઉપાડી જાઉં. એને મેં આંહીં ક્યાં મોકલ્યો? કાળના મોંમાં જ એને ફગાવી દીધો!

બીજો વિચાર સુશીલાના સંસાર તરફ ફંટાયો. વહુ મારા સુખલાલ ભેગી સુખી થાય કે આજે હમણાં દીઠો તે જુવાન ભેગી? વહુનું મન સ્વાભાવિક જ કોના માથે મોહે? વહુ મારા દીકરાને ન ચાહી શકે તેમાં વહુનો શો વાંક? આવા જુવાનને કઇ કન્યા જતો કરે? વહુના સુખની વાત વિચારવી જ રહી કેમ જાય છે? હું તો કહું છું કે, હે પ્રભુ -