પૃષ્ઠ:Vevishal.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વહુને - સુશીલા વહુને - જ્યાં એનું મન માને ત્યાં - જ્યાં એનું સુખ સાંપડી શકે ત્યાં -'

આ વિચાર પૂર્ણવિરામ સુધી પહોંચતાં પહેલાં તો ટુકડેટુકડા થઇ ગયો.આ વિચાર કરવામાં તલવારની કાતિલ ધાર પર ડગલાં ભરવા જેટલું દુઃખ હતું. આ વિચારની અસિ-ધારા પર હૈયું કદમે કદમે લોહી લોહાણ બનતું હતું. મોં પરના હોશમાત્રને આ વિચાર શોષી રહ્યો હતો, ત્યાં જ મોટા શેઠ પાછા ઉપર આવ્યા.

"તમને દેશના લોકોને..." ઉપર આવતાંવેંત જ મોટા શેઠે દાઝેભર્યા બોલ દાંત ભીંસી ભીંસીને કાઢયા: "એક વાત બરાબર આવડે છે. સામા માણસનું નાક કેમ કાપી લેવું તે તમને દેશના વાણિયાને આવડે છે, એવું કોઈને નથી આવડતું."

"માફ કરો, શેઠ; હું ખરેખરો ગુનેગાર છું," સુખલાલના પિતાએ હાથ જોડીને વાત રોળીટોળી નાખવા પ્રયત્ન કર્યો.

એની પરવા જ કેમ જાણે ન કરતા હોય તેમ ઓરડામાં ચાલ્યા જતા શેઠને 'ગુનેગાર' શબ્દનો જાણે કે ટેકો મળ્યો. એ પાછા ફર્યા ને બોલ્યાઃ

"ગુનેગાર તો હું જ છું - હું સાડી સાત વાર હું તમારો ગુનેગાર છું, બાપા! હું તમારું ખાસડું મોમાં લેવા લાયક છું. મેં કોઇ જેવી તેવી કસૂર કરી છે? મેં મારી દીકરીને ગળે -"

"બોલો મા, મારા ગળાના સમ, શેઠ, કશું બોલો મા!" સુખલાલના પિતાએ એની પાસે જઇને પાઘડી ઉતારીઃ મારાથી પાછું આંહીં ન આવી શકાણું, મને મારાં સગાઓ જોરાવરી કરીને ઉપાડી ગયા. મેં ઘણુંય કહ્યું કે મને વેવાઈનો ડુંગર જેવો ઠપકો મળશે. મારાથી બીજે ક્યાંય સુખલાલને લઈ જવાય નહીં..."

"અરે, તમારે પાલવે ત્યાં લઈ જાવને, બાપા!" મોટા શેઠ પાછા અંદર જતાં જતાં વરાળો કાઢવા લાગ્યાઃ "તમારે મુંબઇમાં આવીને મારું નાક કાપવું'તું તે કાપી લીધું હોય તો હવે આ ગુનેગારનો છૂટકો કરો