પૃષ્ઠ:Vevishal.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને, માબાપ?"

એનો અવાજ દૂરના બેઠકના ઓરડામાં ચાલ્યો. તેની પાછળ પાછળ, "માફી માગું છું, માફ કરો," એમ રગતા રગતા સુખલાલના પિતા ચાલ્યા. ને આંહીં ભાભુના હાથમાં કારેલાં છોલવાની છરી થંભી ગઇ. ત્યાંની અંદરની દીવાલે સુશીલાનું મન થડક થડક થઇ ગયું. ગાજતો સૂર આવતો હતો ફક્ત રસોડામાંથી. સુશીલાની બા રોટલીનો લોટ બાંધતાં બાંધતાં કાંડાની તેમ જ કલેજાની દાઝ એકસાથે કાઢતાં હતાઃ

"એ જ લાગનો છે - એવાને તે ભાઈબાપા હોય? એવાને વળી 'આવો બેશો' શાં? એવાની હારે વાતો કરતા બેસવામાં આપણી શોભા શી? આપણે જો આમ આટલાં બધાં ભોળાં થાશું તો સંસારમાં રે'વાશે કેમ? વેચીને આપણા દાળિયા જ કરી નાખશે ને આવા પી-"

"પીટ્યા" શબ્દ પોતાની બા પૂરો બોલી શકે તે પૂર્વે જ સુશીલા ઓરડામાં ધસી ગઇ; એણે અવાજ કર્યોઃ"પણ - બા!"

એ અવાજમાં ચિરાડીયાં હતાં. બાની સામે ઊભી રહી. એના ડોળા ફાટી રહ્યા. એના હોઠ ફફડતા હતા. એના આખા ચહેરા પર જે ઉશ્કેરાટ પથરાયો તે ઉશ્કેરાટની તોલે તો તે દિવસની ઉજાણી વખતનો ઉશ્કેરાટ પણ ન આવી શકે.

"તમે-તમે-બા, આ-શું બોલો છો? ભાન છે કાંઈ?"

પોતાની જનેતા પ્રત્યેના સુશીલાના એ પહેલી જ વારના શબ્દઅંગાર હતા. બા હેબતાઈ ગઈ. દીકરીના એ શબ્દોમાં બાએ પોતાના ઉપર કોઈ કટક તૂટી પડતું હોય તેવા ધસારા સાંભળ્યા. જે દીકરીને કોઈ દિવસ ડારો દેવો નહોતો પડ્યો, જે દીકરીને માટે હંમેશાં 'ગાયના ઉપલા દાંત જેવી' ઉપમા બાએ વાપર્યા કરી હતી, તે દીકરીને પોતાના પર એકાએક ધસી આવતી દેખીને બાએ હેબત ખાઈ હેઠે જોયું.

"એણે-એણે તમારું શું બગાડ્યું છે? -"

સુશીલાના મોંઆં આ ભાષા સાવ નવીન હતી. નવા અને અપરિચિત શબ્દો એના હોઠને જાણે કે બેહદ વજનદાર લાગતા હતા.