પૃષ્ઠ:Vevishal.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ખુશીથી ખુશીથી! તમારે ને અમારે ક્યાં જુદાઈ છે?"

એ સ્વરો પાછા મોટા બાપુજીના મોંમાંથી નીકળ્યા; વિશેષ કશુંક બોલ્યા : "ને સુખલાલનેય ધંધે ચડવા માટે હજાર બે હજાર હું કાઢી દ‌ઉં. એમાં શી મામલત છે?"

તેનો જવાબ હજુય ગળગળા સ્વરે સસરા દેતા હતા: "ખુશીથી, શેઠ; જોવે તો મારું ઘર જ છે, માગી લઈશ. પણ ઓલી દયા કરજો ! દીકરીને પરણાવો ત્યારે મને સમાચાર-"

ભાભુની નજર સાબુ ચોળાતાં ફીણના જે સપ્તરંગી બુદ્બુદો રચાતા હતા તે તરફ હતી. સુશીલાએ એકાએક ભાભુને ગાભરા સ્વરે પૂછ્યું : "આ શું, ભાભુ?"

ભાભુએ પૂછ્યું : "શું?"

સુશીલાને સમજ પડી કે ભાભુ બેધ્યાન હતાં. બેઠકમાં ચાલેલા વાર્તાલાપમાંથી પોતે તારવેલા કાળ-ભણકારાને એ વ્યક્ત ન કરી શકી. પોતે અ બધો વાર્તાલાપ કંઈક અસ્પષ્ટ સાંભળેલો. તે અરસામાં તો બેઠકના ખંડમાંથી સ્વરો અને પગધબકારા સાથે આવતા સંભળાયા.

ભાભુ એકદમ ઊભાં થઈને કપડાં સંકોડી નાહવાની ઓરડીની બહાર જઈ ઊભાં રહ્યાં, સુશીલા અંદર જ રહ્યે રહ્યે સસરાનું મોં જોઈ શકી. એ મોં તાજું જ ધોયેલું લાગ્યું. એની આંખો જાણે કોઈકને શોધતી હતી. એના પગ પોતાના ઘણા લાંબા કાળનાં દોસ્તાદાર પગરખાંને પણ જાણ્યે ઓળખી ન શકવાથી વેવાઈના બૂટમાં પેસવા પ્રયત્ન કરતા હતા.

"કેમ મામા?" ભાભુએ વેવાઈને કહ્યું, "કેમ જોડા પે'રો છો!"

"રજા લ‌ઉં છું, બે'ન!" વેવાઈએ બે હાથ જોડ્યા ને કહ્યું, 'બોલ્યું-ચાલ્યું માફ કરજો."

"અરે. પણ એમ તે જવાતું હશે?" પતિ તરફ સહેજ જતી-આવતી લાજ રાખેલી તે ખસેવીને એણે જાણે કે પતિની આંખની અંદર લાલ-લીલી ખંડી જોઈ લીધી. ઝંડી લીલી લાગી, એટલે વેવાઈને કહ્યું :