પૃષ્ઠ:Vevishal.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"જમ્યા વગર જવાય નહીં, ક્યારનું સુશીલાએ રાંધ્યું છે ને !"

"સુશીલા તો મારાં આંખ્યમાથા ઉપર. એણે રાંધ્યું હોય તો હું ખુશીથી રોકાઉં."

એટલું કહીને એણે જોડા કાઢી નાખ્યા. " સુશીલાને રાજી રાખીને જ હું જવાનો; એને કોચવીને જાઉં જ કેમ?" એમ કહેતે કહેતે એણે મોટા શેઠની સામે જોયું, ત્યારે મોટા શેઠે પણ મોં મલકાવી કહ્યું : "હા, હા, શેઠ, જમીને જાવ."

એ શબ્દ બોલનાર મોં ઉપર પોતે મોડા પડ્યાનું ભોંઠપણ હતું, છતાં ભાભુએ આછા નજીવા ઘૂમટામાંથી તેમ જ સુશીલાએ બાથરૂમની ચિરાડમાં દીઠેલું એ એક અપૂર્વ દૃશ્ય હતું. હજુ તો હમણાંની ઘડી સુધી આ ગામડિયા સગાની પટકી પાડનાર, વિના પ્રયોજને એને અપમાન દેનાર, એને હડધૂત કરી હાંકી મૂકનાર આ મોટા શેઠનું દિલ પરોણા પ્રત્યે એકાએક માખણ જેવું કૂણું કેમ પડી ગયું ? શું સસરાજીની નરમાશ જ આવડી મોટી અસર કરી ગઇ ? બંને વેવાઈઓ વચ્ચે ચમત્કારી સુમેળ સધાઈ ગયો ?

કારણ જડ્યું નહીં, સમજ પડી નહીં, તેમ છતાં ભાભુને તો ખોળિયામાં જાણે નવો જીવ આવ્યો. એક સુશીલા સિવાય કોઈ ન કળી શકે તેવો સુખ-સંચાર ભાભુના અંતરમાં થઇ ગયો. કાચી કેરીને લીલી છાલ કનકવરણી પીળાશ ક્યારે પકડવા માંડે છે તે પ્રકૃતિ સિવાય કોણ વરતી શકે છે! એ અગોચર રંગ-પલટાના પગઠમકાર તો મધ્ય રાત્રીનો એકાકી કોઈ મૂંગો તારલો જ કદાચ સાંભળતો હશે - જેવી રીતે સુશીલાએ ભાભુનો લાગણીપલટો પારખ્યો. સુશીલા પણ ભાભુની જીવન-રાત્રીનો એક તારો જ હતી.

પણ સુશીલાનો પોતાનો લાગણી પલટો એટલો સહેલો નહોતો. ભાભુએ જે નહોતું સાંભળ્યું તે પોતે સાંભળ્યું હતું. જે સાંભળ્યું હતું તે સ્પષ્ટ નહોતું, રહસ્યભર્યું હતું. એ રહસ્ય બહુ દૂર બેઠેલું નહોતું, છતાં હૈયાના પીંજરામાં કેમેય કરતું આવતું નહોતું. એ રહસ્ય હૈયાની પરસાળ સુધી