પૃષ્ઠ:Vevishal.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવીને નાચતું હતું - જાણે પંખી છેક હાથમાંથી ચણ્ય ચણતું હતું, છતાં ઝલાતું નહોતું.

સુશીલા કળી ન શકી તેથી જંપી ન શકી. મોટા બાપુજી અને સસરા પાટલે બેઠા; ને પોતે રસોડામાં પેસીને ભાભુને પીરસવામાં મદદ કરતી હતી ત્યારે એના કાન, બહાર જે ઝંકાર થતો હતો તે તરફ મંડાયા હતા. એ ઝંકાર બીજા કશાનો નહોતો: પીરસવાની વાટ જોતા સસરા ખાલી થાળી સાથે પોતાની રૂપાની વીંટીવાળી આંગળીના તાલબદ્ધ ટકોરા મારતા હતા. ટકોરાના સતત સૂર બંધાઈ ગયા હતા.

બારણાંની બહાર ઊભેલાં ભાભુને પીરસવાની ચીજો દેતી દેતી અર્ધગુપ્ત સુશીલા સસરાના એ ખુલ્લા, ચળકતી ચામડીવાળા, ચોખ્ખા ચણાક દેહને ફરી વાર જોઇશકી. એને એમ પણ લાગ્યું કે સસરાની આંખો પોતાનેય જાણે કે જોઈ લેવા યાચના કરતી કરતી ભમે છે

જમવાનું પૂરું કરી, સાફ કરેલી થાળીમાં પાણી નાખીને ધોઈ પી જનાર સસરાએ ગામડામાં હજુય ક્યાંઈ ક્યાંઈ સચવાઈ રહેલો વિરલ સંસ્કાર દેખાડ્યો. પોતાની એઠનો એકાદ અન્ન-દાણો પણ ધરતી પર ન ઢળાવો જોઈએ : ગ્રામ્ય વણિકની એ સંસ્કાર-શુચિની, સ્વચ્છતાની, છેલ્લી ટોચ કહેવાય. એ ખાસિયત, સાસરા જ્યારે પહેલી વાર જમવા આવેલ ત્યારે રાત હોઈને સુશીલા નહોતી જોઈ શકી.

ઊઠીને તરત જ મહેમાને પાછા વિદાયના હાથ જોડ્યા. એ ઉતાવળ ભાભુને તેમ જ સુશીલાને કેમ અસ્વાભાવિક લાગી ? જમવા સુધીનો કાબૂય જાણે આ મહેમાને જબરદસ્ત કોઈ કાષ્ટથી સાચવ્યો હોય તેવું લાગ્યું. એના છેલ્લા શબ્દો આ હતા :

"આવજો બાપા ! માફ કરજો ! દીકરી સુશીલાને આશીર્વાદ દઉં છું. બાપા! એ.....ય...ને એવા સુખી જોઉં કે અમરી આંખ્યું ઠરીને હિમ થાય."

એ શબ્દો પણ જાણે એની સાથે લિફ્ટમાં ઊતરી ગયા. સાથે મોટા શેઠ વળાવવા ગયા. મોટરમાં જવાનો ઘણો આગ્રહ કર્યો. પણ તેનો જવાબ એટલો જ હતો કે"પગ મોકળા ન કરું તો આંહી શહેરમાં ખાવું