પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
ગુણવાન શ્વાનની વાર્ત્તા

ઈશ્વરનો કોપ જ ઊતરેલો હોવો જોઈએ. જેવી રીતે રાજ ચોરી કરવાને નીકળતો ચોર એક દિવસ અવશ્ય પકડાઈ જાય છે, તેજ પ્રમાણે તમે પણ અવશ્ય પકડાશો, એટલું જ નહિ, પણ સાથે મારા પ્રાણની પણ હાનિ કરી નાખશો. મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે કે, તમે પાછાં પોતાને ઘેર ચાલ્યાં જાઓ અને હવે પછી ભૂલે ચૂકે પણ મારા ઊંબરામાં પગ મૂકશે નહિ.”


અનંગભદ્રાની જિજ્ઞાસા

મારા આ ઉદ્ગારો સાંભળી અનંગભદ્રાએ નમ્રતાથી પ્રાર્થના કરી કે "ડોકટર સાહેબ ! આપે ગઈ રાત્રે પોતાના અનુભવની જે વાર્ત્તા સંભળાવી તે અપૂર્ણ જ રહી ગઈ છે. વીરક્ષેત્રની સુંદરીએ આપને પોતાના શયનમંદિરમાં અટકાવી રાખ્યા હતા તેનો તેમ જ રક્તસેન રાજકુમારની કથાનો પણ અદ્યાપિ અંત જણાયો નથી. એટલે તે દુષ્ટ સ્ત્રીઓના પંજામાંથી તમારે અને રક્તસેન રાજકુમારનો છૂટકો કેવી રીતે થયો, એ સવિસ્તર સાંભળવાની મારી ઉત્કંઠાને હું દબાવી ન શકી અને તેટલા માટે જ હું આજે પણ પાછી અહીં આવી લાગી. માટે કૃપા કરીને એ બન્ને કથાઓ મને પૂરેપૂરી સંભળાવો.” એ તેની આતુરતાને તૃપ્ત કરવા માટે હું તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે;-“અનંગભદ્રા ! ત્યાર પછી તે રાજકુમાર તે વેશ્યાને પુનઃ પ્રાર્થના કરીને ચોથી વાર્ત્તા સંભળાવવા લાગ્યો અને તે આ પ્રમાણે:-


ગુણવાન શ્વાનની વાર્ત્તા

પૂર્વે સુદામાપુરીમાં મહાધન નામક એક શાહુકાર વસતો હતો. તે અત્યંત ધનાઢ્ય હોવા છતાં એકવાર તેની કેટલીક નૌકાઓ સમુદ્રમાં ડૂબી જવાથી અને તેમાં લાખો રૂપિયાની માલની હાનિ થવાથી તે નિર્ધન થઈ ગયો. નિર્ધનતાથી અત્યંત શોકાતુર થઈને તે પોતાનો એક ગુણવાન શ્વાન હતો તેને લઈ બીજા એક ગામમાં પોતાને યમુનાદાસ નામનો મિત્ર હતો તેની પાસે ગયો. તે શાહૂકારે પોતાના મિત્રને આવેલો જેઈ તેનો સારો આદરસત્કાર કરીને પૂછ્યું કે;–“આ વેળાએ અચાનક આપનું આગમન શા કારણથી થયું છે વારૂ ?"