પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
રતિનાથની રંગભૂમિ

શ્વાને પૂર્ણ વિશ્વાસપાત્રતાનો પરિચય કરાવેલ હોવાથી તેના ગળામાં મુક્તિની પત્રિકા બાંધીને કહ્યું કે;–“તું હવે આનંદથી પાછો તારા જૂના ધણી પાસે જા; મેં આપેલા રૂપિયા વ્યાજ સુદ્ધાં મને મળી ચૂક્યા છે !”

કૂતરો અહીંથી નીકળ્યો અને મહાધન કર્જ ભરવાની મુદ્દત ભરાઈ ગએલી હોવાથી વ્યાજ સહિત રૂપિયા લઈને પોતાના ગુણવાન, શ્વાનને છોડવી લાવવા માટે પોતાને ઘેરથી નીકળ્યો હતો એટલે માર્ગમાં જ શેઠ અને શ્વાનને મેળાપ થઈ ગયો. શ્વાનને જોતાં જ મહાધનને ક્રોધ આવતાં તે કહેવા લાગ્યો કે;–“કૃતઘ્ન પ્રાણી ! અદ્યાપિ યમુનાદાસના રૂપિયા અપાયા નથી અને તે પહેલાં તેં પલાયન કરીને મારી પ્રતિષ્ઠાની હાનિ કરી નાખી. અર્થાત્ તારા આ અપરાધ માટે તને એવી જ મહા ભયંકર શિક્ષા આપવી જોઈએ.” એમ કહી તેના પાછળના બે પગ ઝાલી તેનું માથું તેણે એક પાષાણશિલાપર પછાડ્યું અને તે સાથે કપાળમોક્ષ થતાં શ્વાનના પ્રાણ પ્રયાણ કરી ગયા. ત્યાર પછી તેણે તેના ગળામાંની પત્રિકા છોડીને વાંચી જોઈ એટલે બધો વૃત્તાંત જાણવામાં આવતાં તે મહા શોકના સમુદ્રમાં ડૂબી ગયો અને પોતાના માથામાં માટી નાખવા લાગ્યો.

એ પ્રમાણે, હે વારવનિતે ! તું પણ પાછળથી મહા પશ્ચાત્તાપમાં પડી જઈશ, એટલા માટે મને મુક્ત કર અને જીવવા દે.” આ વાર્ત્તા સાંભળી તે વેશ્યા કહેવા લાગી કે;-“હે રાજકુમાર ! હું વેશ્યા હોવાથી મને પશ્ચાત્તાપ થાય, એ વાર્ત્તા સંભવતી જ નથી.” એ પછી હજી નગરનાં દ્વાર ઊઘડવામાં થોડો વિલંબ હોવાથી રાજકુમાર રક્તસેને પુનઃ એક નવીન વાર્તાનો આ પ્રમાણે પ્રારંભ કર્યો;–


પોપટની વાર્તા

પૂર્વે રાજપુરી નામક નગરીમાં રાજા ધનપાળ રાજ્ય કરતો હતો. તેની પાસે એક ઘણો જ સારો પોપટ હતો. તે નિત્ય રાત્રિના સમયે નાના પ્રકારની કથાઓ સંભળાવી રાજાના મનનું રંજન કરતો હતો.