પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
રતિનાથની રંગભૂમિ

માત્ર પણ ભીતિ નથી. તું મારો પરમ મિત્ર હોવાથી જો તારા પૂર્વે જ મરો દેહાંત થઈ જાય, તો તું જ રાજ્ય ચલાવીને મારા કુટુંબનું પાલનપોષણ કરજે અને જો મારા પૂર્વે તારો દેહાંત થશે, તો તારા કુટુંબના પોષણનો ભાર હું મારા શિરપર ઉપાડી લઈશ.”

રાજાનો આવી રીતે અત્યંત આગ્રહ થવાથી અંતે નિરૂપાય થઈને ઝવેરચંદે તે પદવી લેવાની હા પાડી; અને તેની હા થતાં જ રાજાએ તરત તેને સભા ભરીને પ્રધાનનો પોશાક આપ્યો અને તેને પ્રધાન તરીકે જાહેર કરી દીધો. ઝવેરચંદ ન્યાયશીલતા અને નમ્રતાથી પ્રધાનપદને ચલાવ્યે જતો હતો અને પ્રજામાં તે પ્રિય થઈ પડવાથી રાજાને પણ તેના પર વધારે ને વધારે પ્રેમ થતો જતો હતો. તેની આમ એકાએક અને અલ્પકાળમાં આટલી બધી ઉન્નતિ થઈ, એ જોઈને કેટલાક અદેખા અધિકારીઓના મનમાં દ્વેષ અને વિષાદનો ઉદ્‌ભવ થતાં તેઓ પોતપોતામાં એવા ઉદ્‌ગારો કાઢવા લાગ્યા કે;– “આ મૂર્ખ નવા રાજાએ બજારના એક વાણીયાને પકડી લાવી તેને પ્રધાનપદે ચઢાવીને આપણાં તો નાક કાપી નાંખ્યાં છે નાક ! હવે તો આપણે આપણી પ્રતિષ્ઠાને જાળવવા માટે અવશ્ય બની શકે તેટલી ત્વરાથી એને એના પદથી ભ્રષ્ટ કરવો જ જોઈએ !” આવા પ્રકારનો વિચાર કરી એક દિવસ એક અતિ સુંદર કન્યાનું ચિત્ર આલેખીને તેમણે રાજા આગળ રજૂ કર્યું અને કહ્યું કે;–“મહારાજ ! આ સિંહલદ્વીપની રાજાની કન્યા છે અને અદ્યાપિ કુમારિકા છે - એ કન્યા આપના અંતઃપુરને શોભાવવા યોગ્ય હોવાથી જ અમે તેનું આ ચિત્ર આપ પાસે લઈ આવ્યા છીએ, જો યત્ન કરશો, તો એ રમણીરત્ન અવશ્ય આપને પ્રાપ્ત થશે જ !”

એ ચિત્રને જોઈને તથા તેમની એ વાણીને સાંભળીને રાજાએ દરબાર ભરી પોતાના સર્વ વિશ્વાસપાત્ર અધિકારીઓને ઉદ્દેશીને કહ્યું કે;-“સિંહલદ્વીપના રાજા પાસે જઈ મારા માટે આ કન્યાનું માગું કરવાનું કામ કોણ પોતાના માથાપર લેવાને તૈયાર છે ? જે કોઈ પણ આ