પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
રતિનાથની રંગભૂમિ

ભોગવ, એજ તારા માટે વિશેષ કલ્યાણકારક છે. જે મનુષ્ય કામાધીન થાય છે અને પ્રતિદિન ચોરીછુપીથી કુકર્મ કર્યા કરે છે, તે કોઈ દિવસે પણ પકડાઈને નષ્ટ થઈ જાય છે. આ આપણું ગુહ્ય વ્યભિચાર કર્મ હજી કોઈના જાણવામાં આવ્યું નથી, એટલે ન્હાસ- ભાગની કલ્પના પણ કરીશ નહિ; નહિ તો પરિણામ એ જ આવશે કે, કાં તો બન્નેના પ્રાણ જશે કે કાં તો આબરૂને હમેશને માટે બટ્ટો લાગી જશે. સારાસારનો વિવેક કરી મનનો સંયમ કર. પ્રિયે ! મનુષ્ય તો શું, પણ આ વ્યભિચારથી દેવાદિકોનો પણ નાશ થઈ ગયો છે ! એ વિશેનાં પુરાણ અને ઇતિહાસમાં અનેક ઉદાહરણો મળી આવે છે તે આ પ્રમાણે;–


કામવિકારના પ્રાબલ્યનાં પુરાણપ્રસિદ્ધ દૃષ્ટાંતો

(૧) સર્વ દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ મનાય છે. એ મહાદેવ એકવાર તપશ્ચર્યા કરતા હતા ત્યાં સર્વ દેવોએ મળીને કામદેવને મોકલી આપ્યો. કામદેવ ત્યાં જઈને તેમની તપશ્ચર્યામાં વિક્ષેપ કરવા લાગ્યો એથી કોપાયમાન થઈને મહાદેવે કામને બાળીને દગ્ધ કરી નાખ્યો.

(૨) તે જ પ્રમાણે સુરપતિ ઇન્દ્ર કામવિકારને આધીન થઈને કપટથી અહલ્યા સાથે વ્યભિચાર કરવાથી ગૌતમના શાપથી તેના શરીરમાં સહસ્ત્ર ભાગો થઈ ગયા અને સ્વર્ગલોકના રાજ્યથી તે ભ્રષ્ટ થયો એટલુંજ નહિ, પણ નિર્દોષ અહલ્યાને પણ સાઠ હજાર વર્ષો પર્યન્ત શિલાના અવતારમાં રહેવું પડ્યું.

(૩) બ્રહ્મદેવ પૂર્વે પંચમુખી હતા, પરંતુ તેમનું અંત:કરણ પોતાની કન્યા વિશે જ સકામ થવાથી તેના એક શિરનો પાત થયો.

(૪) બ્રહ્મદેવનો પુત્ર નારદ બ્રહ્મચારી હોવા છતાં એકવાર કામવશ થયો અને દ્વારિકામાં શ્રીકૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યો કે:- “હુ કામપીડિત થયો છું, તો આપની પાસે સોળ હજાર સ્ત્રીઓ છે, તેમાંથી એક સ્ત્રી મને આપો !” એના ઉત્તરમાં શ્રીકૃષ્ણે કહ્યું કે;-“જે સ્ત્રી પાસે હું ન હોઉં, તે સ્ત્રી તારે લઈ જવી.” નારદ સર્વ સ્ત્રીઓનાં