પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
સૂર્યજિત ભારતી તપસ્વીની વાર્ત્તા


સૂર્યજિત ભારતી નામક તપસ્વીની વાર્ત્તા

ઉત્તર દેશમાં સમુદ્રના તીરે એક પર્વત છે, ત્યાં પૂર્વે સૂર્યજિત ભારતી નામનો એક અતીતે મહાપ્રચંડ તપશ્ચર્યા કરી હતી. એ તપશ્ચર્યાના પ્રભાવથી તેને ઈશ્વરી તેજની પ્રાપ્તિ થતાં તે મહાસિદ્ધ પુરુષ થઇ ગયો હતો અને તે એટલે સુધી કે તેનું પ્રત્યેક વચન સિદ્ધ થતું હતું. તેની આવી ખ્યાતિ સાંભળીને જે રોગી વિશ્વમાંના કોઈ પણ વૈદ્યથી સારો ન થાય, તેવા રોગીને છેવટે એ અતીતનાં દ્વારમાં લાવીને રાખવામાં આવતો હતો અને તેને ત્યાં રાખી તેના સંબંધીજનો ત્યાંથી ચાલ્યા જતા હતા. પ્રાતઃકાળમાં તે સાધુ પુરૂષ પોતાનાં સંધ્યા આદિ કર્મની સમાપ્તિ કરીને તે રોગી પાસે જતો હતો અને પોતાના કમંડલમાંથી પાણી લઈને તેના મુખમાં નાખતો હતો. એથી તે રોગી રોગમુક્ત થઈ સાધુનાં ચરણોમાં નમસ્કાર કરીને પોતાને ઘેર ચાલ્યા જતો. તેની આ કીર્તિનો સર્વત્ર વિસ્તાર થઈ ગયો.

એક વાર એવો બનાવ બન્યો કે, શિવપુરીના રાજા મદનપાલની કુમારિકા કન્યાને તારૂણ્યમાં આવતાં ભયંકર પાંડુરોગની બાધા થઈ ગઈ અને તે રોગના નિવારણ માટે રાજાએ અત્યંત દ્રવ્યને ભોગ આપ્યો ને અનેક ઉપચારો કરાવ્યા, પણ તેથી કશો પણ લાભ થયો નહિ. એટલે અંતે નિરુપાય થઈને કેટલાંક માણસોને સાથે આપી રાજાએ પોતાની તે કન્યાને એ અતીત પાસે મોકલી દીધી. સેવકે મધ્યરાત્રિના સમયમાં તે રોગિષ્ઠ રાજકુમારીને અતીતની પર્ણકુટીના દ્વારમાં મૂકીને પોતે ત્યાંના નિયમ પ્રમાણે ત્યાંથી દૂર ખસી ગયા. પ્રાતઃકાળ થતાંજ અતીત જાગૃત થયા અને કરમાં કમંડલ લઈ સમુદ્રસ્નાન માટે જવાને નીકળ્યા, એવામાં મૃદુ શય્યામાં સૂતેલી તે રાજકુમારિકાના શરીર સાથે તેનો પગ અથડાયો, એટલે 'કોણ છે ?' એમ પૂછીને તેણે તેના શરીર પર હાથ ફેરવ્યો, તે રાજકુમારીના કોમળ સ્તન અને સુકુમાર શરીરને સ્પર્શ કરતાં જ અતીતના શરીરમાં કામનો વિકાર ઉદ્દભવ્યો, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં અને આસપાસ કોઈ પણ ન હોવાથી તે તેના પર બળાત્કાર કરવા લાગ્યો.