પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રતિનાથની રંગભૂમિ

ઉપદેશમયી વાર્ત્તાઓ કહી સંભળાવવાનો આરંભ કર્યો, તે સાંભળવા માટે અનંગભદ્રા નિત્ય દોઢ પ્રહર રાત્રિ જતાં ગુપ્તતાથી મારે ઘેર આવતી હતી અને પ્રભાતમાં પાછી ચાલી જતી હતી. એવી રીતે ત્રણ વર્ષ પર્યન્ત મેં તેને અખંડ બોધામૃતનું પાન કરાવ્યું અને તેથી ઇશ્વરભજનમાં નિમગ્ન થઈ ગઈ, એજ પ્રમાણે અન્ય અબળાઓ પણ આ ગ્રંથ વાંચશે કિંવા એમાંની કથાઓ પરિણામના વિચાર સહિત સાંભળશે, તો અવશ્ય તેમનાં હૃદય સન્માર્ગમાં પ્રેરાશે; એવા ઉદ્દેશથી જ મેં આ ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથમાં વ્યભિચાર- વિષયક કથાઓ કહીને તેમનાં પરિણામો અત્યંત દુ:ખદાયક દર્શાવેલાં છે, અને અંતે તાત્પર્યમાં મહાઉત્તમ બોધ આપેલો છે.

આ કથાઓને પ્રકાશમાં લાવવાનું માત્ર એ જ એક કારણ છે કે, આજસુધીમાં આ ભૂમંડળ પર અનેક જનો વિષયાસક્ત થઈને અનેક અનર્થોને પાત્ર થયા છે; અર્થાત્ પ્રબળ કામવિકારના યોગે કેવા અને શા શા અનર્થો થયા છે અને તેમનાં પરિણામ કામવિકારીઓને શાં ભોગવવાં પડ્યાં છે, એનો ગુપ્ત સાર લોકોના જાણવામાં આવી શકે અને તેઓ સન્માર્ગગામી થાય. પ્રસ્તુત પુસ્તકમાં વનિતાવિકારવિષયક જે વાર્તાઓ આપવામાં આવી છે તેમના વાંચનથી પ્રતિક્ષણે તજ્જન્ય દુઃખોનું સ્મરણ થતાં તરુણો અને વૃદ્ધો એ દુરાચારથી દૂર રહે, એવા સંભવ હોવાથી આબાલવૃદ્ધે દીર્ઘ દૃષ્ટિ રાખીને આ ગ્રંથનો સંગ્રહ કરવો એટલે સારૂં શું છે અને નઠારૂં શું છે તેમજ નીતિ શી છે અને અનીતિ શી છે, એ તત્કાળ તેમના જાણવામાં આવી શકશે, કદાચિત્ કોઈ કહેશે કે, આવાં પુસ્તકો વાંચવાથી બુદ્ધિમાં વિકાર થવાનો સંભવ છે, તો ભાઈરે ! જ્યાં સુધી તમે આવાં પુસ્તકો વાંચ્યાં નથી, ત્યાં સુધી જગત્‌માં નઠારી વસ્તુ છે શી, એ તમારા જાણવામાં ક્યાંથી અને કેમ કરીને આવી શકશે વારૂ ? અને જો એ જાણવામાં નહિ આવે, તો