પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસંગ ૧ લો

અનંગભદ્રાને બોધ

ઈ. સ. ૧૮૩૭માં સિંધ હયદરાબાદના રાજ્યની વ્યવસ્થા કરવા માટે કચ્છ ભુજના રેસીડંટ સાહેબ સર હેન્રી પોટિંજર ત્યાં પધાર્યા હતા, તે વેળાયે તેઓ મને પણ પોતાના પ્રાઇવેટ ડૉક્ટર તરીકે પોતાની સાથે લેતા ગયા હતા. ત્યાં ત્યાર પછી મીરસાહેબે તેમની પાસેથી મને પોતાની તહેનાતમાં રાખવા માટે માગી લીધો હતો.

સિંધ હયદરાબાદના નિવાસી ક્ષત્રિય-લુહાણા-જાતિના ધનાઢ્ય વ્યાપારી પ્રિયતમદાસની તે સમયમાં ત્યાં બહુ જ ખ્યાતિ અને કીર્તિ પ્રસરેલી હતી. એની અનંગભદ્રા નામની એક કન્યા હતી. તે અષ્ટાદશ વર્ષીય બાળા સ્વરૂપમાં અત્યંત સુંદર હોઈને અત્યારે યૌવનરૂપ વસંતોદ્યાનમાં વિહરતી હતી. તેને કામોદ્ભવ રોગની બાધા થઈ હતી, અને તેના યોગે બુદ્ધિમાં ભ્રષ્ટતાનો સંચાર થતાં તે ઉન્માદિની બની ગઈ હતી. તેના એ રોગનો નાશ કરવા માટે તેના પિતા તથા શ્વશુર આદિએ પુષ્કળ દ્રવ્ય ખર્ચીને ઐાષધ તથા મંત્ર તંત્ર ઇત્યાદિ અનેક ઉપચારો કર્યા, પરંતુ એમાંના એક પણ ઉપચારનું યોગ્ય પરિણામ ન થયું અને તેનો ઉન્માદ દિવસે દિવસે વધારે અને વધારે વધવા લાગ્યો. એક દિવસે મીર નૂરમહમદની કચેરીમાં આવીને તે બન્ન શાહૂકારોએ પોતાની પીડાનો સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો, અને કહ્યું કે;– “આપની તહેનાતમાં કંપની સરકારના વૈદ્યરાજ જે ડોકટર રામચન્દ્ર છે, તેમના હાથે બાઈનો ઉપચાર કરાવવો, એવા હેતુથી અમે આપની સેવામાં સાદર થયા છીએ. જો એમના ઉપચારથી બાઈને આરામ થશે, તો આ૫ને મરણોન્મુખ અબળાને જીવનદાન કરવાના પુણ્યની પ્રાપ્તિ થશે.” તેમનું આવું દીનતાયુક્ત ભાષણ સાંભળીને મીર સાહેબે મને તે બાળાનો ઉપચાર કરવાની