પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચપલા ચરિત્ર ચંદ્રિકા

લાગી અને મારા સેવકને જાગૃત કરી મારા શયનમંદિરમાં આવી પલંગ પાસેની કુરસીમાં બેસી ગઈ. થોડીકવાર વિશ્રાંતિ લઈને પછી તેણે મને જગાડ્યો. જાગૃત થવા પછી તેને જોઈને આ કોઈ મોટા સરદારનો પુત્ર છે એમ ધારીને એકદમ ઊઠીને હું તાજીમતવાજીમ કરવા મંડી ગયો, અને દેશના સંપ્રદાય પ્રમાણે કુશળ સમાચાર તથા નામ આદિ પૂછ્યા પછી 'આટલી મોડી રાત્રે આપના અહીં પધારવાનું શું પ્રયોજન છે ?' એવો તેને પ્રશ્ન પૂછ્યો.

તેણે ઉત્તરમાં હાથ જોડીને જણાવ્યું કે:-“ડોકટર સાહેબ ! હું અબળા છું અને મારૂં નામ અનંગભદ્રા, તે દિવસે મેં આપને મારા રોગનું નામ અને નિદાન જણાવવાનું વચન આપ્યું હતું, તે વચનના પાલન માટે આજે પ્રસંગ સાધીને હું આપની પાસે આવી છું. હું આપની આજ્ઞાધારિણી દાસી હોવાથી અત્યારે મારા દુ:ખની કથા સાંભળીને સુખની પ્રાપ્તિનો જો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની અવશ્ય કૃપા કરશો !”

તેની આવી નમ્રતાયુક્ત વાણી સાંભળીને મેં અત્યંત ભયભીત થઈને અનંગભદ્રાને પૂછ્યું કે;-“તમે અબળા હોવા છતાં પુરુષનો વેશ ધારીને આટલાં દૂર એકલાં અને તે પણ વળી અડધી રાતે ચાલ્યાં આવ્યા, એ તમારૂં મહા ઘોર કર્મ જ કહી શકાય ! કારણ કે, અહીંની અત્યારની મુસલમાન રાજસત્તા હિંદુ સ્ત્રીઓના સંબંધમાં સર્વથા નિર્દય અને અનુકંપારહિત છે. જે સ્ત્રીને પોતાના પ્રાણ અને પોતાની પ્રતિષ્ઠાની જરા પણ ભીતિ ન હોય, તે સ્ત્રી જ આવા કર્મ માટે આવા સમયમાં પોતાના ગૃહમાંથી એકલી બહાર નીકળવાનું સાહસ કરી શકે. તમે એક મહા ભાગ્યવાન્ અને કુલીન પિતાનાં પુત્રી હોવા ઉપરાંત મારા જાણવા પ્રમાણે વિદ્યા અને કળામાં પણ કુશળ છો, છતાં વિકારને વશ થઈ અવિચારથી વિના કારણ પ્રાણ અને પ્રતિષ્ઠા ઉભયને પોતાના હાથે જ નાશ કરવાને તત્પર થયાં