પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
અનંગભદ્રાને બોધ

કોઈ દીન જન એ દુષ્ટ કર્મ કરે છે, તો તે તેના પ્રાણને હરે છે; અને જે કોઈ ધનાઢ્ય કિંવા ભૂપતિ પણ એ કુકર્મ આચરે છે, તો તે તેની પ્રતિષ્ઠા તથા લક્ષ્મી ઈત્યાદિનો અલ્પ સમયમાં જ નાશ કરી નાખે છે. કદાચિત હજારોમાંથી કોઈ જીવતું બચી પણ જાય છે, તો તે પણ છેવટે દારિદ્ર્ય તથા ઉપદંશ આદિ રોગોને આધીન થઈ રીબાઈ રીબાઈને મૃત્યુના પંથે પડી જાય છે. તલવારનો ઘા એક માસમાં રૂઝાય છે, પરંતુ આ વિષયસુખનો ઘા જન્મજન્માંતરે પણ રૂઝાતો નથી; એટલું જ નહિ, પણ તે મનુષ્યને આ લોકમાં અપકીર્તિ અને પરલોકમાં નરકવાસને પાત્ર બનાવી દે છે. કારણ કે, આ કર્મ અત્યંત નિંદ્ય હોઈને નાશકારક છે, એટલા માટે એનો કોઈએ પણ અંગીકાર ન જ કરવો. જેવી રીતે ધગધગતા અંગારાને હાથમાં લીધાથી હાથ બળવા માંડે છે અને તે બુઝાઈ જાય છે એટલે હાથને કાળો કરતો જાય છે; તે જ પ્રમાણે એ વ્યસન ઉભય લેાકમાં વિનાશનું જ કારણ થઈ પડે છે. અનંગભદ્રા ! આ સંકટ એક વાર મારા પર પણ આવ્યું હતું, તે હું તમને કહી સંભળાવું છું, માટે મારી એ આપવીતી વાર્તાનું તમે આશા છે કે ધ્યાન અને એકાગ્રતાપૂર્વક શ્રવણ કરશો, એમાંથી તમને બહુ બહુ જાણવાનું મળી આવશે.”

એમ કહીને મેં મારા પોતા પર વીતેલી એક ઘટનાની કથાનો નીચે પ્રમાણે આરંભ કર્યો;–