પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
વીરક્ષેત્રની સુન્દરી-૨

કર્યા કરે છે !” મારી આ વાર્તા સાંભળી તે સ્ત્રીને એકવાર નિહાળ્યા પછી તે કહેવા લાગ્યો કે,-“ભાઈ ! એ કોઈ કુલીન કામિની છે'; તમે ધારો છો તેવી દુરાચારિણી દેખાતી નથી. તમારા સમજવામાં ભૂલ થવાથી તમે વિના કારણ બિચારીને બદનામ કરો છો. કદાચિત્ અહીં તેનો કોઈ ઈષ્ટમિત્ર હશે તેનેજ તે બોલાવતી હશે ?” આ તેનું ઉત્તર સાંભળીને મેં તેને જણાવ્યું કે;–'આપણે એકવાર પાછા એની તરફ જોઈએ એટલે એના મનમાં જે ભાવ હશે તે તરત જ જણાઈ આવશે.'

મારા આ શબ્દો સાંભળીને તે વક્રદૃષ્ટિથી તે સુંદરીની ચેષ્ટાને જોવા લાગ્યો. તે લલનાએ અમારી તરફ જોઈને પાછો આગળની પેઠે જ લટકાથી ઈશારો કર્યો. હવે તે અમને જ બોલાવે છે એવો અમારો નિશ્ચય થવાથી અમે બન્ને ત્યાંથી સ્હામી બાજુએ જઈ તે મકાનની નીચે ઊભા રહ્યા. એટલામાં તે અને બીજી ત્રણેક સ્ત્રીઓ નીચે ઊતરી આવી અને બજારની ભીડમાં એકની પાછળ એક ચાલતાં તે લલનાએ એક ચમત્કારિક સંકેતથી સૂચના આપી કે, 'તમે મારી પાછળ પાછળ ચા૯યા આવો !' અમે તેની પાછળ ચાલતા થયા, અને એક ઠેકાણે લોકોની વધારે ભીડ હતી ત્યાં મેં તેને પડખે ચઢીને તેનો હાથ પકડી લીધો અને ભીડ એાછી થતી હતી ત્યાં પાછો છોડી દીધો. તેમની સાથે એક વૃદ્ધ સ્ત્રી હતી તે એક વિશિષ્ટ માર્ગમાં ચાલતી થઈ અને બાકીની બીજી સ્ત્રીઓ સાથે તે રમણી ઊભી સડક લઈને ચાલવા લાગી. આવી સ્થિતિ જોઈને મેં મારા મિત્રને તે વૃદ્ધા સ્ત્રીની પાછળ રવાના કરી દીધો અને હું પોતે તે સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અમે બધાં મદનને ઝાંપે આવી લાગ્યાં. એ વેળાયે સંધ્યાનો સમય થઈ ચૂકયો હતો અને મદનને ઝાંપે મહા પ્રભુજીની બેઠકમાં દર્શનાર્થે આવેલાં અને દર્શન કરીને પાછા વળેલાં ભક્ત સ્ત્રી પુરુષોનાં ટોળેટોળાં ત્યાંથી ચાલ્યાં જતાં હતાં. એ ભીડનો લાભ લઇ તે બીજી સ્ત્રીઓ સહિત પોતાના ઘરમાં પેસી ગઈ. હું તો તેને ત્યાં આમ તેમ શોધતો જ કાવરો બાવરો બનીને ઊભો રહ્યો.