પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
રતિનાથની રંગભૂમિ

તે વૃદ્ધ સ્ત્રી પણ મિયાં મહંમદની વાડીથી મદનના ઝાંપા તરફ આવતા માર્ગમાં મારા મિત્રને થાપ આપીને ક્યાંક અદૃશ્ય થઈ ગયેલી હોવાથી તે પણ હું જ્યાં હતો ત્યાંજ અચાનક આવી લાગ્યો અને અમારે ન ધારેલો મેળાપ થઈ ગયો. અમે બન્ને તે ગલીમાં તેની શોધમાં આમ તેમ ભટક્યા, પરંતુ તે કામાક્ષી ક્યાંય અમારા જોવામાં આવી નહિ. રાત્રિનું આગમન થતાં મનુષ્યોની ભીડ ઓછી થઈ ગઈ એટલે પુનઃ અમે તે માર્ગ અને પાસેની ગલીઓમાંનાં એકે એક ઘર બહારથી તાકી તાકીને તપાસી જોયાં, પણ તેના વદનચંદ્રના દર્શનનો અમને લાભ ન મળ્યા તે ન જ મળ્યો. અમને આવી રીતે ઘણી વારથી ભટકતા જોઈને એક ઘરના દરવાજા પર એક ઘાંચણ ઊભી હતી તેણે અમને પૂછ્યું કે,– “શેઠિયા ! આટલા લાંબા વખતથી આ રસ્તાપર અને ગલીઓમાં ભટકીને તમે કોને શોધો છો વારૂ ?” મેં તેને જવાબ આપ્યો કે;– “બાઈ ! હું શુક્રવારમાંથી પાછો ફરતો હતો એટલામાં કોઈ શ્રીમંતની એક સુંદર વનિતા મને માર્ગમાં મળી અને તેના પોતાના બેાલાવ્યાથી હું તેની પાછળ પાછળ અહીં સુધી આવ્યો અને અહીં અચાનક અમારો વિયોગ થઈ ગયો. અર્થાત્ હું તેને જ શોધ્યા કરું છું, પણ તેનો ક્યાંય પત્તો મળી શકતો નથી !” એ સાંભળીને તે ઘાંચણે કહ્યું કે:-“તે સુંદર હતી એમ તમે કહો છો, એટલે તે સ્ત્રી આ મહલ્લાની તો નથી જ. તે કોઈ બીજા મહલ્લામાંની સેલાણી બૈરી હશે, અહીં હવા ખાવાને આવી હશે અને હવા ખાઈને પાછી પોતાને ઠેકાણે ચાલી ગઈ હશે. તેનો એ જવાબ સાંભળીને મેં જણાવ્યું કે:- “બાઈ ! તેના ગુણોને જાણવાની મારા મનમાં મેાટી ચટપટ લાગી રહી છે; માટે જો તું તેને શોધી આપીશ, તે હું મારી શક્તિ અનુસાર તને સંતુષ્ટ કરીશ, એટલું જ નહિ, પણ તારા આ ઉપકારને મરણપર્યન્ત ભૂલીશ નહિ.” મારી આ વાણી સાંભળીને તે કહેવા લાગી કે;-'તમે આવતી કાલે આ સ્થળે જ આવજો. હું તેનો શોધ કરીને જો તે મળશે, તો એંધાણી કરી મૂકીશ !”