પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
વીરક્ષેત્રની સુન્દરી-૨


“તેણે આવી આશા આપવાથી હું મારે ઘેર આવ્યો અને આખી રાત નિદ્રાનો આસ્વાદ ન લેતાં તે સુંદરીના ધ્યાનમાં જ નિમગ્ન રહ્યો. જે કોમળાંગીના કોમળ કરને મેં મારા કરથી સ્પર્શ કર્યો હતો, જે નારી નેત્ર સંકેત કરી મારા મનને હરી ગઈ હતી અને જે મારી હૃદયેશ્વરી થયેલી છે, તે કોપનાના વદનચંદ્રના દર્શનનો લાભ મને ક્યારે મળશે એવા પ્રકારના વિચારોમાં જ મેં આખી રાત વીતાડી દીધી. પ્રાતઃકાળ થતાં જ ઊતાવળથી શય્યાનો ત્યાગ કરી મુખમાર્જનાદિથી મુક્ત થઈ મેં નવીન વસ્ત્ર ધારણ કરી લીધાં અને હાથમાં એક સુંદર લાકડી લઈને હું તે ઘાંચણના ઘર આગળ જઈ પહોંચ્યો. શિયાળાના દિવસ હોવાથી તે લાકડાની ધૂણી કરીને દરવાજા આગળ તાપતી બેઠી હતી. હું પણ તેની પાસે જઈને બેઠો અને યુક્તિના માર્ગમાંથી ધીમે ધીમે મુદ્દાની વાત પર આવીને મેં પૂછ્યું કે બાઈ ! કાલે રાત્રે મેં જે કામ કરવાનું તને કહ્યું હતું, તે થયું કે ? તેનો કાંઈ પત્તો મળ્યો કે કેમ ?” એના ઉત્તરમાં તે બોલી કે;-'અરે ભાઈ ! હજી તો ઘણાંક માણસો બિછાનામાંથી ઊઠ્યાં પણ નહિ હોય, એટલે મને તેનો અત્યાર પહેલાં કેવી રીતે પત્તો મળી શકે ? તમે તેના માટે એકવાર આંખો મળતાં જ આટલા બધા ગાંડાતૂર બની ગયા છે, એથી મને જણાય છે કે, રાતે તમને પૂરી ઊંઘ પણ નહિ જ આવી હોય !” મેં કહ્યું કે, “બાઈ ! આપણામાં એક કહેવત છે કે, અર્થને અક્કલ હોતી નથી અને કામાતુરને નિદ્રા આવતી નથી. અર્થાત્ અર્થુ, ચોર, જાર, ઠગ, પ્રપંચી અને અભિસારિકા તથા જારિણી આદિ વર્ગનાં સ્ત્રી પુરુષોની નિદ્રા અને બુદ્ધિ આદિનો કોણ જાણે ક્યાંય લોપ થઈ જાય છે, એટલે જો ગઈ રાતે મને નિદ્રા ન આવી હોય, તે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. પરંતુ જે સુંદરીએ પોતાના કટાક્ષબાણથી મારા હૃદયને વીંધી નાખ્યું છે, જેના કટાક્ષબાણ અદ્યાપિ મારા હૃદયમાં સાલ્યા કરે છે અને જેણે મને ગાંડો બનાવી દીધો છે, તે સુંદરીનો એકાંતમાં મેળાપ થયા વિના મારા હૃદયને શાંતિનો સ્પર્શ થવાનો નથી. જો તે સુરસુંદરી નહિ મળે, તે