પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
વીરક્ષેત્રની સુન્દરી-૨

તેના પૂજાકાર્યની સમાપ્તિ થતાં તે પોતાને ઘેર જવાને નીકળી એટલે હું પણ તેના નિવાસસ્થાનને જોવાની ભાવનાથી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તેણે મને કયારનોય જોયો હતો, એટલે પોતાના ગૃહમાં પ્રવેશ કરતી વેળાએ મને અંદર ન આવવાનો ઈશારો કરી દીધો અને હું આગળની પેઠે જ નિરાશ થઈને પાછો ચાલ્યો આવ્યો. હું મારા ગૃહમાં ચિંતાગ્રસ્ત થઈને બેસી રહ્યો. ત્યારપછી ભેાજનકાર્યની સમાપ્તિ થતાં મારા રહેઠાણમાંથી મારો બધો લબાચો ઉપાડીને તેને મળવાની આશાથી હું તે શિવાલયની પાસેનાજ એક સ્થાનમાં રહ્યો અને મારો ઘણો વખત શિવાલયનાં સભામંડપમાં બેસીને વીતાડવા લાગ્યો. તે દિવસે તે સુંદરીએ પોતાના સ્વામીને કહ્યું કેઃ–“મને ઉદરશૂળની વ્થયા હોવાથી મેં મહાદેવની એવી માનતા માની છે કે, હું નિત્ય શિવાલયમાં બે વાર આવીને તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જઈશ. એટલા માટે મારે દરરોજ શિવાલયમાં બે વાર તો જવું જ પડશે.” આ પ્રમાણેનું નિમિત્ત બતાવીને ને દિવસમાં બે વાર પૂજા સામગ્રીને લઈને આ જીવતા જાગતા મહાદેવ માટે શિવાલયમાં આવવા લાગી. પરંતુ તે શ્વશુરગૃહવાસિની હોવાથી અને તેની સાથે હંમેશ તેના એક બે નોકરો આવતા હોવાથી મારી જોડે બોલવાચાલવાનો પ્રસંગ તેને મળી શકતો નહોતો. વળી તે કુલીન પતિની પત્ની હોવાથી અન્યત્ર જવાની તેને આજ્ઞા નહોતી અને અધૂરામાં પૂરું તેનો પતિ જમદગ્નિનો અવતાર હોવાથી પતિને પણ તેના હૃદયમાં અતિશય ભય રહ્યા કરતો હતો. આ સર્વ પ્રત્યવાયો હોવાથી હું સભામંડપમાં તેના નિકટમાં ઊભો, રહી માત્ર તેના વદનવિધુનાં દર્શનથી નેત્રોની સાર્થકતા કરી શકતો હતો અને જ્યારે તે ઘેર જવા નીકળતી ત્યારે પાળેલા કૂતરા પ્રમાણે તેની પાછળ પાછળ જઈ તેને તેના ધર સુધી છેટેથી પહોંચાડી આવતો હતો.

કેટલાકોનો એવો અભિપ્રાય છે કેઃ-

“વેણ પદારથ વેણ રસ, વેણેવેણ મિલંત;
અણજાણ્યાથી પ્રીતડી, પ્રથમ વેણ કરંત !”