પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ચપળા ચરિત્ર ચંદ્રિકા


બે વાર માત્ર અમારૂં ચક્ષુમિલન થાય છે, પણ તેથી શાંતિ થવાને બદલે મારા શરીરમાં કામજ્વરનો અધિક તાપ થવા લાગ્યો છે. એટલા માટે જો તને મારા પ્રાણનો ખપ હોય, તો અમો બન્નેને એકવાર એકાંતમાં ગમે તે ઉપાય યેાજીને મેળાપ કરાવી દે, કે જેથી અમે ઉભયની વેદનાનો વિલય થાય અને બહુ દિવસની આશા સફળ થઈ જાય; એટલીજ તારી પાસેથી મારી નમ્ર યાચના છે, જો આ કાર્ય કરી આપીશ, તો અત્યારે તું મારી દાસી છે, પણ પછીથી હું જ તારી આજ્ઞાધારિણી દાસી થઈ રહીશ, રોજ તારા પગ ધોઈને પીશ !!”

શેઠાણીનાં આ વાક્યો સાંભળી દાસીના હૃદયમાં અત્યંત કોપનો આવિર્ભાવ થયો અને તે ચિત્તને કઠોર કરીને બોલવા લાગી કે;-“હવે પછી મારા આગળ આવી વાત કદાપિ કાઢશો નહિ, અને બીજા કોઈ પાસે પણ બોલશો નહિ, વળી એ વાર્ત્તાને સ્વપ્નમાં પણ તમે પોતેય હૃદયમાં સ્થાન આપશો નહિ. જો આ વાર્ત્તા ગૃહપતિના સાંભળવામાં કે જાણવામાં આવશે, તો તે તમારો, તમારા પ્રિયકરનો અને મારો એવી રીતે ત્રણેનો શિરચ્છેદ કરી નાખશે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. કારણ કે, આપના પતિનો સ્વભાવ બહુ જ ક્રોધિષ્ઠ અને અત્યંત નિર્દય છે, એ તો આપ જાણો જ છો. આ વાર્ત્તાનો ગંધ આવતાં જ તે ઘરબારની ધૂળધાણી કરી નાખશે. આજે બાર વર્ષની વાત પર તમારાં જેઠાણી એ જ કુકર્મના પરિણામે અકાળ મૃત્યુને વશ થયાં હતાં. તેનું કેવું વર્તન હતું, તે હું તમને સંભળાવું છું તે ધ્યાન આપીને સાંભળો.”

એમ કહીને તેની દાસીએ તેની જેઠાણીનો વૃત્તાન્ત નીચે પ્રમાણે સંભળાવવા માંડ્યો:


સેાનીએ કેવી રીતે પોતાનો પ્રાણ ગુમાવ્યો ? તેની કથા

“આપણા ઘરનાં ઘરેણાં ઘડનાર સોની હમેશાં ઘરમાં જતા આવતા હતા, તેને જોઈને તમારી જેઠાણીનું મન તેનામાં મુગ્ધ થયું, અને તે કામાતુર થઈ ગઈ. પરંતુ તેને એકાંતમાં મળવાનો પ્રસંગ