પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
વીરક્ષેત્રની સુન્દરી-૨

બની શકતા સર્વ યત્ન કરીશ.” આ આશાથી તે મદનાતુરાના મનમાં કાંઈક શાંતિનો પ્રવેશ થયો.

અનંગભદ્રા ! હવે મારી શી દશા હતી તે સાંભળ, મારા દેહભાનનો પણ લોપ થઈ ગયો. મધ્યાહ્નનું ભોજન રાતે અને રાતનું ભોજન સવારમાં ખાવાનો ક્રમ ચાલુ થઈ ગયો. નોકરી, પૈસા ટકા અને આબરૂ ઇત્યાદિ સર્વ વસ્તુઓની આશાને છોડી દઈને બંને વખત હું તેનાં દર્શન માટે આતુર થઈ શિવાલયમાં સાધુ પ્રમાણે બેસી રહેતો હતો અને તેના દેવદર્શન અને પૂજન આદિ કાર્યની સમાપ્તિ થતાં તેની પાછળ નગરના વસતિવિભાગમાં સંચાર કરી તે પોતાના ગૃહમાં પ્રવેશ કરી અદૃશ્ય થાય એટલે પછી બહુ દુઃખ પામી નીચું મોઢું કરી પાછો પોતાના ઉતારામાં આવી લાગતો હતો. માર્ગમાં આવતાં જ્યાં જ્યાં તેનાં ચરણોનાં ચિહ્નો દેખાતાં ત્યાં જરાવાર ઊભો રહીને હું શોકમગ્ન થતો હતો. કામાંધની ચેષ્ટાઓ ગુપ્ત રહી શકતી નથી, એટલે અમે બંનેની આવી ચેષ્ટાઓ જોઈને કેટલાક તીવ્ર દૃષ્ટિવાળા લોકોના મનમાં અમારા વિશે સંશયનો ધીમે ધીમે પ્રવેશ થવા માંડ્યો.

એક વાર તે દાસીએ પોતાની શેઠાણી – મારી મનૌહારિણી-ને શોકાતુર મુદ્રાથી કહ્યું કે:-“બાઈ સાહેબ ! તમને એ પરપુરુષનો આટલો બધો મોહ લાગી ગયો છે, એથી મને તો એમ જ જણાય છે કે, આપણા ત્રણેના મરણનો અવસર બહુ જ પાસે આવી લાગ્યો છે, એટલે કે, આ કાર્ય કરવાના નિશ્ચય પર આવવા સાથે આપણા ત્રણેએ જીવવાની આશા તો રાખવાની જ નથી. હવે મારી પ્રાર્થના માત્ર એટલી જ છે કે, એ પુરુષ સાથે મેળાપ થવા પછી આ ચાલતા ગૃહસ્થાશ્રમને ત્યાગી તેની સાથે પલાયન કરી ન જવાનું વચન આપો, તો હું આ પ્રાણધાતક કાર્ય કરી આપની આશા પૂર્ણ કરવાનું બીડું ઝડપું.”

દાસીનાં આ વચનોથી શરીરમાં નવીન જીવનનો સંચાર થતાં તે સુંદરીએ દાસીને બેક નવાં વસ્ત્રો આપીને વશ કરી લીધી, અને