પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
વીરક્ષેત્રની સુન્દરી-૨


“હું જો કે બહુ દિવસનો ક્ષુધાતુર છું, પણ મને મારી ઇચ્છા પ્રમાણેનું ભોજન મળી શકતું નથી. જે દિવસે ઇચ્છિત ભોજન અને ઇચ્છિત પીરસનાર મળશે, તે દિવસે અહીં ભોજન કરીશું. અન્ન તો રંધાઈને તૈયાર છે, પરંતુ તેને થાળીમાં પીરસીને થાળી લાવી આપનારની જ ખોટ છે અને તેથી નિત્ય એકાદશી વ્રતનું પાલન કરવું પડે છે. જે દિવસે યજમાનની કૃપા થશે, તે દિવસે જ આ ક્ષુધાતુર વિપ્રની તૃપ્તિ થવાની, નહિ તો જેમ આટલા દિવસ વીતાડ્યા છે, તેવીજ રીતે પ્રાણોત્ક્રમણ સુધીનો બીજે અવશિષ્ટ કાળ પણ વીતાડી નાખવાનો આપણે તે દૃઢ નિશ્ચય જ કરી રાખ્યો છે.”

બીજાં જે બે ત્રણ માણસો હતાં તે હવે ઊઠી ગયાં હતાં એટલે તે ચતુર દાસી કાંઈક સ્પષ્ટ વાણી અને સ્પષ્ટ ભાવદર્શક શબ્દોથી કહેવા લાગી કે;–“ડૉકટર સાહેબ ! તમે ચતુર, સદ્ભાવી, સદ્ગુણી અને બુદ્ધિમાન્ પુરુષ હોવા છતાં આવા વિષયમાં ચિત્તને કેમ ચોંટાડો છો, એ હું સમજી શકતી નથી. કારણ કે, આ કૃત્ય એવું છે કે, જેણે રાવણ અને કીચક જેવાઓનો પણ જોતજોતામાં વિનાશ કરી નાખ્યો હતો. છતાં તેમને અનુક્રમે સીતા અને દ્રૌપદીની પ્રાપ્તિ થઈ શકી નહોતી. તો પછી તમારા જેવાની શી ગણના વારૂ ? તમે ગમે તેટલો ખજાનો ખર્ચી નાખો અથવા પ્રાણ પણ કાઢી નાખો, છતાં એ કિલ્લો તમારા હાથમાં આવવાનો નથી. જો આ આશાને ધારી બેસી રહેશો, તો પ્રાણનાશ વિના બીજો તમને કશો પણ લાભ મળવાનો નથી. અનેક વર્ષ પર્યન્ત ઘરબાર છોડી દિલે ભભૂત ચોળી બાવા બની એના નામનો અખંડ જાપ જપશો, તો પણ એ વસ્તુની પ્રાપ્તિ વિશેનો તમારો મનોરથ સિદ્ધ નથી થવાનો તે નથીજ થવાનો. સિદ્ધરાજે જૂનાગઢને બાર વર્ષ સુધી ઘેરો ઘાલ્યો હતો છતાં તેનાથી જૂનાગઢનો કિલ્લો લેવાયો નહોતો, તે પ્રમાણે તમે ચોવીસ વર્ષ સુધી મોર્ચો માંડીને ગોળા ગબડાવશો, તો પણ આ મજબૂત કિલ્લો તૂટે તેમ નથી. વિના કારણ તમે પોતાની લક્ષ્મી, પ્રતિષ્ઠા અને કાયાનો નાશ કરશો,