પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
રતિનાથની રંગભૂમિ

એટલુંજ. કારણ કે, અહીં તમારો એવો કોઈ પણ પ્રાણપ્રિય મિત્ર નથી કે જે એ થાળને પીરસીને તમારા મોઢા આગળ લાવી રાખે અને આ વાતને પાછી સદાને માટે છુપાવી રાખે ! વળી આજ સુધીમાં જે સ્ત્રીપુરુષ વ્યભિચારના માર્ગમાં ચાલ્યાં છે, તેમનો છેવટે ભૂંડી રીતેજ અંત આવ્યો છે, કેટલાકો જીવથી નહિ ગયાં હોય તે નિર્ધન અને રોગિષ્ઠ થયાં હશે અને કેટલાકો તો ખરેખર મરી પણ ગયાં છે તે પણ વળી મહા ભૂંડી રીતે. તમે જેની આશા રાખો છો, તે બજારની મીઠાઈ નથી, એ એક દુર્ગ અને તે પણ અજેય દુર્ગ છે, એમજ તમારે સમજી લેવું એ દુર્ગનો દુર્ગપતિ મહા શૂરવીર અને કાળનો અવતાર છે. એ સર્વ કારણોથી તમારૂં ધારેલું કાર્ય સફળ થાય, એવો રંગ મને તો દેખાતો નથી. એ દુર્ગની બાંધણી દૃઢ અને અચલ છે અને તે સાથે તેનો રક્ષક પણ મહાચતુર અને ઓજસ્વી છે. તેના દુર્ગને લેવાની જે કોઈ પણ દુષ્ટ ધારણા કરે તેને તત્કાળ મારી નાખવાને તે પૂર્ણ સમર્થ છે, જ્યારે તમે એ દુર્ગને દૂરથી જોઈને એટલા બધા ધાયલ થઈ ગયા કે અન્નજલને ત્યાગી ધરબારને પણ ભૂલી ગયા, તો પછી એ દુર્ગમાં નિરંતર નિવાસ કરનારને એ દુર્ગમાં કેવો અને કેટલો બધો પ્રેમ હશે, એની કલ્પના તમે પોતેજ કરી શકો એમ છો. હવે જો કિલ્લાના ચોકીદારો નિદ્રાધીન હોત અથવા બુર્જોના પાયા ઢીલા થઈને બુર્જો પડી ગયા હોત, તો કિલ્લેદાર આટલો ચોકી પહેરો રાખત જ નહિ અને તેથી કિલ્લો સહજ તમારા હાથમાં આવી જાત. કારણ કે, જૂની વસ્તુની કોઈ એટલી બધી સંભાળ રાખતું નથી. નવીન વસ્તુમાં સર્વજનોને વિશેષ પ્રેમ હોય છે. એમાં પણ વળી એ દુર્ગનાં રૂપરંગ અત્યુત્તમ હોવાથી કદાચિત એના પર કોઇની નજર દોડશે, એવા ભયથી દુર્ગેશ બહુ જ ચોકસી અને તપાસ રાખ્યા કરે છે. જેવી રીતે કૃપણની ધન પર અને ક્ષુધાતુરની અન્ન પર દૃષ્ટિ હોય છે, તે જ પ્રમાણે તરુણ પુરુષની સ્ત્રીના સૌન્દર્ય પર દૃષ્ટિ હોય છે. એટલા માટે તરુણ સુંદરીની બધા જીવની પેઠે જાળવણી કર્યા કરે છે. મારા કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે, તમે