પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
વીરક્ષેત્રની સુન્દરી-૨

દુકાનમાં પછાડીને પાલખીમાં બેસી તે જવાને તૈયાર થઈ ગઈ. આ બધી લીલાને જોઈને કનૈયાલાલે દુકાનદારને ઉદ્દેશીને કહ્યું કે:- “ભાઈ! આ ૨મણી જ્યારે કુલીન અને સાધનસંપન્ન છે, તો થોડા વખતને માટે એને આટલે માલ ધીરવામાં શી ચિંતા છે ? પૈસા આજે નહિ, તો આવતી કાલે મળી જશે. આટલી નજીવી રકમ માટે એક કુલીન કામિનીનું અપમાન કરવું વ્યાજબી નથી. માલ આપો, જે પૈસા નહિ આવે, તો તેનો જવાબદાર હું છું, નાણાં જશે તો મારાં જશે !” કનૈયાલાલનાં આ વાક્યો સાંભળી તે વ્યાપારીએ તે તરૂણીને હાંક મારીને પાછી બોલાવી અને તે પાછી આવી દુકાનમાં ઉભી રહી. દાસીને ઘેરથી નાણાં લાવવાનું કહેવા લાગી. એટલે કનૈયાલાલે નમ્રતાથી તેને કહ્યું કે:- “તમે માલ લઈ જાઓ; અત્યારે નાણાં ન હોય, તો ફિકર નહિ. જ્યારે તમારી મરજીમાં આવે ત્યારે નાણાં મેાકલજો; અને તે પણ ન મોકલી શકાય તો આ બે ચીજોને મારા તરફની મળેલી બક્ષીસ તરીકે માની લેજો.” કનૈયાલાલનાં આ વાક્ય સાંભળતાં જ તે રમણી આગભભૂકો થઈ ગઈ અને લાલ નેત્રો કરીને કહેવા લાગી કે:- “મને તમે વેશ્યા ધારી લીધી છે કે શું ? આ ચીજોને હું તમારા તરફની બક્ષીસ માની લઉં, એટલે એનો અર્થ શો ? સંભાળજો, હવે પછી મને કિંવા બીજી કોઈ સંભાવિત સ્ત્રીને ઉદ્દેશીને આવા શબ્દો ઉચ્ચારશો, તો વિના કારણ ક્યાંય માર્યા જશો !” આવું નિષ્ઠુર ભાષણ કરીને તે પોતાને ઘેર ચાલી ગઈ. ઘેર જઈને તત્કાળ તેણે બધાં નાણાં વ્યાપારીને મોકલી આપ્યાં અને વ્યાપારીએ તે ગણી લીધાં. ત્યાર પછી ત્રીજે દિવસે પાછી તે દુકાન પર આવી. તે વેળાયે પણ કનૈયાલાલ ત્યાંજ બેઠો હતો. પાછો પોતાનો બુરખો ઉતારીને તે વ્યાપારીને કહેવા લાગી કે-“તે દિવસે જેવો કીનખાબનો તાકો આપ્યો હતો તેવા બીજા બે તાકા આપો !” કનૈયાલાલને પૂછીને વ્યાપારીએ બે તાકા કાઢી આપ્યા. એ વેળાયે પણ કનૈયાલાલ અતિ કામાતુર થઈને વિકૃત દૃષ્ટિથી તે સુંદરીને જોઈ