પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
વીરક્ષેત્રની સુન્દરી-૨

પ્રકારનાં વિધ્નો ઉત્પન્ન થશે; અને જો નહિ રાખું તો બ્રાહ્મણ મહા દુ:ખી થઈને ક્રોધથી શાપ આપશે, તો મારું નખ્ખોદ કાઢી નાખશે !”

છેવટે ઇચ્છા કે અનિચ્છાથી રાજાએ તે વૃદ્ધ બ્રાહ્મણની સ્નુષાને પોતાના અંતઃપુરમાં રાખવાની વ્યવસ્થા કરી આપી અને રાજકુમારી ચંદ્રપ્રભાને બોલાવીને કહ્યું કે;-“આ બાઈ બ્રાહ્મણ કન્યા હોવાથી એને તું પોતા પાસે રાખીને એની બધી રીતે સંભાળ રાખજે; કાંઈ પણ પંક્તિપ્રપંચ રાખીશ નહિ, ખાતાં, પીતાં, ચાલતાં, બેસતાં, સૂતાં, અમને રમતાં એને એક નિમેષ માત્ર પણ પોતાથી જુદી કરીશ નહિ.” પિતાની આ આજ્ઞાને મસ્તકે ચઢાવી પ્રેમથી બ્રાહ્મણકન્યાનો હાથ ઝાલી તેને રાજકુમારી આદરપૂર્વક પોતાના મહાલયમાં લઈ ગઈ. ત્યાં નાના- પ્રકારનાં ભોજનથી ક્ષુધાને તૃપ્ત કરી બન્ને નવીન સખીએ પલંગ પર સાથે સૂઈ ગઈ.

શય્યામાં ઉભયનાં અંગોનો સ્પર્શ યોગ થવાથી અને બન્ને બાળાઓ તારુણ્યમાં આવેલી હોવાથી તેમના શરીરમાં કામાગ્નિ પ્રદીપ્ત થયો. આવો રંગ જોઈને બ્રાહ્મણકન્યા રાજકુમારીને પૂછવા લાગી કે;- “સખી ! તને સર્વ વસ્તુઓની અનુકૂળતા હોવા છતાં તું આટલી બધી શરીરે કૃશ કેમ થઈ ગઈ છે, એ જણાવીશ ? આપણે સમાન વયના છીએ એટલે હૃદયની વાત કહેવામાં કશો વાંધો નથી, પછી તો જેવો તારો વિચાર અને તારે મારામાંનો વિશ્વાસ !”

“મારા અંતરમાં આટલા બધા વૈભવવિલાસ હોવા છતાં જે એક અસહ્ય વેદના નિરંતર થયા કરે છે, તે કોઈને કહી કે બતાવી શકાય તેવી નથી.” રાજકુમારીએ નિ:શ્વાસ નાખીને કહ્યું.

“પણ સખી, જો મને પોતાની એ વેદના જણાવીશ, તો તેને ટાળી તને સુખી કરવાના પ્રયત્ન કરી શકીશ, એવી મારી પાસે એક અલૌકિક કળા છે, ગમે તેવી પણ હું બ્રાહ્મણકન્યા છું, એ તારે ભૂલી જવાનું નથી. આગળના ઋષિમુનિઓ કેવા ચમત્કારો કરી શકતા હતા, એ તો તું જાણે જ છે." બ્રાહ્મણકન્યાએ આગ્રહ કર્યો.