પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
રતિનાથની રંગભૂમિ


“બહેન ! બે ચાર દિવસ પૂર્વે હું મારા વસંતોપવનમાં મારી સખીઓ સાથે લટાર મારવાને ગઈ હતી, ત્યાં અચાનક એક સુંદર તરુણ પુરુષ મારા જોવામાં આવ્યે અને હું મોહથી મુગ્ધ બની મૂર્છિત થઈ ગઈ. મારી સખીઓ મને અહીં લઈ આવી અને તેનાથી મારો વિયોગ થઈ ગયો. તે ઘડીથી મારૂં મન તેનામાં એટલું બધું પરોવાઈ ગયું છે કે હું લગભગ ગાંડી જેવી જ બની ગઈ છું. મને જોઈને તેને મૂર્છા આવી ગઈ અને તેને જોઈને મને મૂર્ચ્છા આવી ગઈ. મને તો સખીઓએ સાવધ કરી મહાલયમાં પહોંચાડી, પરંતુ તે બિચારો જીવતો રહ્યો કે મરી ગયો, એના મને કશા પણ સમાચાર મળી શક્યા નથી. તેના અલૌકિક રૂપને જોવા પછી આ વસ્ત્રાલંકાર અને વૈભવવિલાસ મને વિષતુલ્ય ભાસે છે, એ પુરુષના ઉપભેાગ સમક્ષ આ રાજસત્તા પણ તુચ્છ છે !” રાજકુમારીએ પોતાના દુ:ખનું કારણ કહી બતાવ્યું.

“વારૂ, ત્યારે જો તે પુરુષને અત્યારે અને આ ઘડીયે જ અહીં બોલાવી તેની સાથે તારો મેળાપ કરાવી આપું, તો મને ઈનામ શું આપીશ વારૂ ? આવી સેવાનું ઈનામ પણ તેવું જ મોટું મળવું જોઈએ.” વિપ્રકન્યા બોલી.

“જે વસ્તુ માગીશ, તે હું આપીશ અને તે ઉપરાંત મરણ- પર્યન્ત તારાં ચરણોની દાસી થઈને તારી પ્રત્યેક આજ્ઞાનું પાલન કરીશ !” રાજકુમારીએ પોતાના માનને ત્યાગીને અત્યંત નમ્રતા દર્શાવી. બ્રાહ્મણકન્યાએ મુખમાંથી ગુટિકાને કાઢી લેતાંજ તેનો પુરુષાવતાર પાછો આવી ગયો. તેને પુરુષના અવતારમાં પોતા સમક્ષ ઊભેલો જોઈ હૃદયમાં આનંદનો ઉછાળો આવવા છતાં લજ્જાથી રાજકુમારી અધોવદના થઈને ઊભી રહી. એ પછી બન્નેએ ત્યાં ગાંધર્વ લગ્નનો વિધિ કર્યો અને તેઓ પતિપત્નીના સંબંધથી એક બીજા સાથે સદાને માટે સંધાયાં. માત્ર શય્યાશાયીના સમય વિનાના બીજા સમયમાં તે તરુણ બ્રાહ્મણ મુખમાં ગુટિકા રાખી સ્ત્રીના અવતારમાંજ રહેતો અને નિશા સમયે પુરુષ થતો હતો, એવી રીતે નાના પ્રકારના