પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
વીરક્ષેત્રની સુન્દરી-૨

ગાય દોરે ત્યાં જાય !' એ નિયમ પ્રમાણે આપના વચનને માન આપી વર્તવા વિના મારો છૂટકો થવાનો નથી, એ હું સારી રીતે જાણું છું. છતાં મારી એટલી પ્રાર્થના છે કે, મારી સાથે લગ્ન કર્યા પહેલાં પ્રધાનપુત્રે મારી એક બે ઇચ્છાઓને આધીન થવું અને તે જો તેમ કરશે, તો હું આનંદથી આપની આજ્ઞાને આધીન થઈશ. મારી પ્રથમ ઇચ્છા એવી છે કે, હું જાતિની બ્રાહ્મણકન્યા હોવાથી અને તે પોતે ક્ષત્રિયપુત્ર હોવાથી આ સંબંધ અયોગ્ય હોવા છતાં એને બળાત્કારે યોગ્ય કરવાનો છે; એટલે તે જે તીર્થયાત્રા કરીને પવિત્ર થઈ આવશે, તે પછી હું તેના ગૃહમાં નિવાસ કરવાને જઈશ.”

રાજાએ પ્રધાનપુત્રને બોલાવીને બ્રાહ્મણકન્યાની ઇચ્છા જણાવી, એટલે બહુજ સંતુષ્ટ થઈને બેાલ્યો કે;–“ તીર્થયાત્રા કરી આવવામાં મને કશે પણ વાંધો નથી; કારણ કે, એમાં તો એક રીતે મારૂં પેાતાનું પણ કલ્યાણ સમાયલું છે. પરંતુ પ્રથમ એ સુંદરીએ મારા ગૃહમાં આવીને રહેવું જેઈએ.” રાજાની આજ્ઞા થવાથી નિરુપાય થઈને તે બ્રાહ્મણકન્યા રાજકુમારીના સમાગમને ત્યાગી પ્રધાનપુત્રના ગૃહમાં જઈને રહેવા લાગી.

ત્યાર પછી પ્રધાનપુત્રે તીર્થયાત્રાએ નીકળવાની તૈયારી કરી. જતી વેળાએ તેણે પોતાની આગલી સ્ત્રીને પિતા પાસે બોલાવીને ઉપદેશ આપ્યો કે;–“તમો બંને એક ચિત્તથી અને સંપસમાધાનથી રહેજો. એક બીજાના પ્રમાદ કે અપરાધને સહન કરવો અને પારકે ઘેર વધારે જવું નહિ.” આ પ્રમાણે ઉપદેશ આપીને તે તીર્થયાત્રા કરવાને ચાલ્યો ગયો.

તેના ગયા પછી રાત્રે તેની સ્ત્રી સૌભાગ્યસુંદરી અને નવીન સ્ત્રી બ્રાહ્મણકન્યા એક જ પલંગમાં પોઢેલી હતી. તેવામાં સૌભાગ્યસુંદરીને પોતાના પતિ પ્રધાનપુત્રનું સ્મરણ થતાં કામદેવે તેનાં હૃદયમાં વિકારની વ્યથા ઉપજાવી દીધી, તે વેળાએ તે બ્રાહ્મણકન્યાને – પોતાની સ૫ત્નીને સંબોધીને કહેવા લાગી કે:-“આ ક્ષણે હું કામાતુર થઈ છું, તો આ મારા આ કામજ્વરનો તા૫ કયા ઉપાયથી શાંત થઈ શકે એમ છે ?”