પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
રતિનાથની રંગભૂમિ


“જો અત્યારે અને આ પગે જ તારો મનોરથ સિદ્ધ થઈ જાય, તો તેના બદલામાં તું મને શું આપે વારૂ?” બ્રાહ્મણકન્યાએ સ્હામો પ્રશ્ન કર્યો.

“તમારી જે ઇચ્છા હોય તે આપું એટલું જ નહિ, પણ જન્મારાની તમારી બેબદામની ગુલામડી બની જાઉં. પણ અત્યારે મારી એ મન:કામના ક્યાંથી અને કેવી રીતે સિદ્ધ થાય ? જેવી હું તેવાં તમે ?” સૌભાગ્યસુંદરીએ ઉદ્ગાર કાઢીને છેવટે નિરાશા દર્શાવી.

તેના આ શબ્દો સાંભળી બ્રાહ્મણકન્યાએ મુખમાંની ગુટિકાને બહાર કાઢીને પોતાના પુરુષના અવતારને ધારણ કરી લીધો અને તે સ્ત્રીને તેની ઇચ્છા પ્રમાણેને સંતોષ આપ્યો. એવી રીતે છ માસ પર્યન્ત તે પ્રધાનપુત્રના ગૃહમાં રહીને તે તરુણ બ્રાહ્મણે પોતાનો કાળ આનંદવિલાસમાં વીતાડ્યો. છ માસ પછી પ્રધાનપુત્ર તીર્થ યાત્રા કરીને પાછો આવ્યો એટલે લોકો તેના લગ્નની તૈયારીઓ ધામ ધૂમ સાથે કરવા લાગ્યા. આવા પ્રકાર જોઈ તે બ્રાહ્મણપુત્ર પોતાના મુખમાંથી ગુટિકા કાઢીને ત્યાંથી કોઈના જાણવામાં ન આવે તેવી રીતે પલાયન કરી ગયો અને તે બ્રાહ્મણ મૂળદેવને મળી સમસ્ત વૃત્તાંત કહી સંભળાવીને તેની ગુટિકા તેને પાછી આપી દીધી.

ત્યાર પછી તે વૃદ્ધ બ્રાહ્મણ પોતાના પુત્ર સહિત રાજા પાસે આવ્યો. રાજાએ તેને કુશળ સમાચાર પૂછ્યા પછી સવાલ કર્યો કે;– “ભૂદેવ! આપે આટલા દિવસ કયાં વીતાડ્યા અને કાંઈ સમાચાર પણ ન મોકલ્યા તેનું કારણ શું ?"

“મહારાજ ! હું મારા પુત્રને શોધવા માટે ગયો હતો. આ મારો પુત્ર બહુ દૂરના દેશમાં નીકળી ગએલો હોવાથી બહુ પ્રવાસ અને પરિશ્રમ કરીને હું એને આપની પાસે ખેંચી લાવ્યો છું. હવે કૃપા કરી મારી પુત્રવધૂને અમારે હવાલે કરી અમને વિદાય કરી દ્યો એટલે થયું.”