પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તાવના

પ્રસ્તુત ગ્રંથ જે મૂળ મરાઠી ગ્રંથનો અનુવાદ છે, તે ગ્રંથ મરાઠી ભાષામાં 'ડોકટર રામજીકૃત સ્ત્રીચરિત્ર'ના નામથી વિખ્યાત છે. તે ગ્રંથ રોયલ અષ્ટપત્રી આકારના ચાર ભાગોમાં વિભક્ત છે અને તે ચાર ભાગોની અનુક્રમે પૃષ્ઠ સંખ્યા ૨૧૮, ૨૩૦, ૧૫૩ અને ૨૮૮ ની છે એટલે કે ચારે ભાગની એકંદર પૃષ્ટ સંખ્યાનો સરવાળો ૮૮૯ નો થવા જાય છે. એ ચારે ભાગમાંના અમુક પૃષ્ઠો શિલા પ્રેસથી છપાયાં છે અને કેટલાંક પૃષ્ઠોના મુદ્રણમાં ટાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મરાઠી ભાષામાં આ ગ્રંથ એકવાર એટલો બધો લોકપ્રિય થએલો છે કે, તેમાં એની ચાર પાંચ અવૃત્તિઓ છપાઈ ગઈ છે અને તે બધી ખપી જવાથી આજે એ ગ્રંથ મળવો પણ અશક્ય થઇ પડ્યો છે. પ્રસ્તુત અનુવાદ ઈ. સ. ૧૮૯૫ માં છપાયેલી આવૃત્તિ પરથી કરાયલો છે, પણ આગળની આવૃત્તિઓ અને એ આવૃત્તિમાં બીજો કશો ફેરફાર નથી. અસ્તુ. હવે એ ગ્રંથની રચના કેવા પ્રકારની છે, તે આપણે જોઈએ.

સાધારણ 'સ્ત્રી ચરિત્ર' શબ્દથી કેટલાક લોકો એમ જ માની લે છે કે, એમાં તેની બીભત્સ કથાઓ જ અપાયલી હશે અને તેથી તે વાંચવા લાયક ન હોય એ સ્વાભાવિક છે; કદાચિત પુરુષો વાંચે તો ચિંતા નહિ, પણ કોમળ વયનાં બાળકો અને સ્ત્રીઓના હાથમાં તો એવાં સ્ત્રી ચરિત્રનાં પુસ્તકો ન જ જવાં જોઈએ. સારાંશ કે, વ્યભિચારના અર્થમાં જ તેઓ 'સ્ત્રી ચરિત્ર' શબ્દની યોજના કરે છે. પણ ખરી રીતે જોતાં આ તેમનો એક મહાભયંકર ભ્રમ છે. વાસ્તવિકતાથી જોતાં 'સ્ત્રી ચરિત્ર' શબ્દનો એટલો સંકુચિત અર્થ નથી, કિન્તુ એ સમાસાન્ત પદમાં અત્યંત વિશાળ અર્થનો સમાવેશ થએલો છે. પ્રસ્તુત ગ્રંથના મુખ પૃષ્ઠ પર જે સંસ્કૃત શ્લોકો આપવામાં આવ્યા છે,