પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ચપલા ચરિત્ર ચંદ્રિકા

તે સ્ત્રી મહાચતુર હોવાથી અમો બન્ને એ સંકટમાંથી પાર પડી ગયાં, નહિ તો ત્યાં બન્નેનાં મડદાં થવાનો જ કાળ આવી લાગ્યો હતો. મેં અનન્ય ભાવથી ઇશ્વરની પ્રાર્થના કરી, તેથી જ મારો બચાવ થયો. એટલામાં તો દાસી બજારમાંથી પાછી આવી અને તે પણ આ વૃત્તાંત સાંભળીને બહુ ગભરાટમાં પડી ગઇ. ત્યાર પછી સ્નાન આદિ કરીને અમે ત્રણેએ સાથે બેસી બજારની મીઠાઇને ઇન્સાફ આપ્યો. એ પછી નાના પ્રકારનાં વિનોદાત્મક ભાષણોમાં અમે આખી રાત વીતાડી દીધી. ઉષઃકાળ થતાં હું તે સુંદરીને અનેક પ્રકારે વિનવી પુન: આવવાનું આશ્વાસન આપી દાસીને સાથે લઇ જવા માટે ઘરમાંથી બહાર નીકળ્યો. મહા આનંદસહિત હું દાસીને ઘેર ગયો અને ત્યાં સ્ત્રીવેશનો ત્યાગ કર્યા પછી એકવારનો ક્ષેમકુશળતાથી મારા પોતાના નિવાસસ્થાનમાં જઇ પહોંચ્યો. પ્રભાતકાળ થતાં જ તે સુંદરી પણ સર્વ સાહિત્ય લઈને શિવના પૂજન માટે શિવાલયમાં આવી અને પૂજા કરી મારાં દર્શનનો લાભ લઇ પાછી પોતાને ઘેર ચાલી ગઇ.

અનંગભદ્રા ! એ પછી ઉત્તરોત્તર અમો આશકમાશુકનો પ્રેમ વધારે અને વધારે ગાઢ થતો ગયો. કેટલીકવાર હું સ્ત્રીનો વેશ ધારીને તે મોહિનીના મંદિરમાં જતો હતો અને કેટલીકવાર તે પોતાની દાસીને ત્યાં આવીને મને પોતાના સમાગમનો લાભ આપતી હતી. બીજી વિશેષતા એ કે, મેં મારી નોકરી છોડી દીધેલી હોવાથી અને મારી પાસે જે કાંઈ હતું તે ખર્ચીને પૂરું કરી નાખવાથી હું પૈસા વગરનો ભીખારી બની ગયો હતો. આ ભેદ તેના જાણવામાં આવતાં તેણે મને એક હજાર રૂપિયા પોતાના ખાનગી ભંડારમાંથી લાવી આપ્યા અને તે ઉપરાંત દાસીના હાથે રોજ કાંઇ ને કાંઇ મોકલ્યા કરતી હતી કે જેથી મને કોઇ પણ પ્રકારનો ત્રાસ ભોગવવો ન પડે. આવી રીતે કેટલોક કાળ વીતી જવા પછી તે સુંદરી દાસીને ત્યાં આવીને મને કહેવા લાગી કે;–